આ ત્રણ કફ સિરપ છે ખતરનાક, બાળકોના જીવનને મૂકી શકે છે જોખમમાં: WHOએ આપી ચેતવણી
દેશમાં ઝેરીલી કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થયાં છે. ત્યારે આ મામલે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ ત્રણ કફ સિરપ સામે ચેતવણી જારી કરી છે. આ કંપનીઓની કફ સિરપને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ કફ સિરપમાં કોલ્ડ્રિફ, રેસ્પિફ્રેશ TR અને રિલાઇફનો સમાવેશ થાય છે.WHOએ કહ્યું કે, જો આ કફ સિરપ ક્યાંય પણ દેખાય, તો તુરંત તેના વિશે જાણકારી આપો.
મળતી વિગતો અનુસાર ગ્લોબલ હેલ્થ એજન્સીની તપાસમાં શ્રીસન ફાર્માની કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માની રેસ્પિફ્રેશ ટીઆર અને શેપ ફાર્માની રિલાઇપ સિરપમાં ભેળસેળ સામે આવી છે. WHO એ ચેતવણી આપી હતી કે આ સીરપ એટલા ખતરનાક છે કે તેનો ઉપયોગ ગંભીર અને જીવલેણ બીમારીનું કારણ પણ બની શકે છે. ભારતની આરોગ્ય એજન્સી, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ WHOને જાણ કરી હતી કે આ સીરપનો ઉપયોગ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતો હતો, જેના પરિણામે 22 બાળકોના મોત થયા હતા.
ખાંસીની આ દવાઓમાં તપાસ દરમિયાન ડાયથિલીન ગ્લાઇકોલ નામનું ઝેરીલું કેમિકલ મળ્યું છે, જેનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવ્યો છે. મુખ્ય વાત એ છે કે, આ કેમિકલનો ન તો કોઈ રંગ હોય છે ન તો ગંધ. તેથી તપાસ કર્યા વિના એ જાણવું અઘરૂ છે કે, તેનો ઉપયોગ સિરપને મીઠી કરવા માટે કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, ડાયથિલીન ગ્લાઇકોલનો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે.