દેશમાં અત્યારે હિન્દુ-મુસ્લિમ ભાગલાની વાતો નહીં સામાજિક-રાજકીય એકતાની બહુ જરૂર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ હુમલાનો જવાબ આપવા ને ભવિષ્યમાં આ પ્રકારનાં હુમલા રોકવા શું કરવું તેનું મનોમંથન શરૂૂ કર્યું છે. તેના ભાગરૂૂપે પાકિસ્તાન સામે પ્રતિબંધાત્મક પગલાંની જાહેરાત કરાઈ ને સર્વપક્ષીય બેઠક પણ બોલાવાઈ. આ બેઠકમાં તમામ વિપક્ષોએ એક અવાજે સરકાર જે પણ પગલાં લે તેને ટેકો જાહેર કરીને પહલગામ હુમલા સામે દેશ એક છે ને મોદી સરકારને પડખે છે એવો સ્ટ્રોંગ મેસેજ આપ્યો. એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ હુમલાના વિરોધમાં શુક્રવારની નમાજમાં તમામ મુસ્લિમો કાળી પટ્ટી પહેરીને હુમલાનો વિરોધ કરે ને આક્રોશ ઠાલવે એવી અપીલ કરી તેનું પણ વ્યાપક રીતે પાલન થયું. મોદી સરકાર દેશની એકતા બતાવવા પ્રયત્નો કરી રહી છે એ જરૂૂરી છે.
આતંકવાદ માત્ર સરકારની સમસ્યા નથી પણ આખા દેશની સમસ્યા છે તેથી આતંકવાદ સામેની લડાઈમાં આખો દેશ સરકારને પડખે હોવો જ જોઈએ. સદનસીબે દેશમાં અત્યારે એ જ પ્રકારનો માહોલ પેદા થઈ ગયો છે ત્યારે કેટલાંક નાસમજ ને નાદાન પરિબળો જુદી જ વાત કરી રહ્યા છે. આ પરિબળો ભારતમાં મુસ્લિમોના આર્થિક બહિષ્કાર કરવાની હાકલના મેસેજ વાયરલ કરી રહ્યા છે. અત્યારે દેશભરનાં લોકોમાં દેશપ્રેમની ભાવના પેદા થયેલી છે અને લોકોના મનમાં આક્રોશ છે તેથી મોટા ભાગનાં લોકોને આ વિચાર ગમે પણ છે. આ પ્રકારના મેસેજ મોટા પ્રમાણમાં ફોરવર્ડ થઈ રહ્યા છે તેના પરથી જ લાગે કે, આ વિચાર એક મોટા વર્ગને આકર્ષી રહ્યો છે પણ આ મુદ્દે લોકોએ શાંત ચિત્તે વિચારવાની જરૂૂર છે. અત્યારે આપણી સમસ્યા આતંકવાદ સામે કઈ રીતે લડવું એ છે.
મોદી સરકારે પણ એ વાત પર ભાર મૂક્યો છે કે, આતંકવાદ સામે આખો દેશ એક થઈને ઊભો રહે એ જરૂૂરી છે ત્યારે આ પ્રકારના મેસેજ ફરતા ના થાય એ જરૂૂરી છે. આ પ્રકારના મેસેજ ફરતા થાય તેના કારણે એવી છાપ ઊભી થાય છે કે, ભારતમાં મુસલમાનોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, તેમની સામે ઉશ્કેરણી થઈ રહી છે. આ છાપના કારણે સમસ્યા મોદી સરકાર માટે જ ઊભી થવાની છે કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ સવાલો ઉભા થશે તેના જવાબ કેન્દ્ર સરકારે આપવા પડશે, જે લોકો મેસેજ ફરતા કરે છે તેમણે જવાબ નથી આપવાના. આ પ્રકારના મેસેજના કારણે તણાવ ઊભો થાય કે અશાંતિ ઊભી થાય એ પણ દેશના હિતમાં નથી ને સરકાર માટે પણ સારું નથી.