સરદાર પટેલને મહાન બતાવવા નેહરુને નીચા પાડવા ગંદી રમતની જરૂર નથી
ભાજપ હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે ને તેના ભાગરૂૂપે ગુજરાતમાં એકતા માર્ચ કાઢી છે. એકતા માર્ચમાં ભાગ લેવા માટે માટે ગુજરાત પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક ચોંકાવનારો દાવો કરી નાખ્યો. રાજનાથસિંહના કહેવા પ્રમાણે, જવાહરલાલ નહેરુ સરકારી ખર્ચે અયોધ્યામાં બાબરી મસ્જિદ બંધાવવા માગતા હતા પણ સરદાર વલ્લભભાઈ પટેલે ઉગ્ર વિરોધ કર્યો એટલે નહેરુની મનની મનમાં રહી ગઈ, બાકી કોંગ્રેસ શાસનમાં જ જ્યાં અત્યારે ભવ્ય રામમંદિર ઉભું છે ત્યાં બાબરી મસ્જિદ ઉભી થઈ ગઈ હોત.
રાજનાથના કહેવા પ્રમાણે, નહેરુએ સોમનાથના મહાદેવના મંદિરના જીર્ણોધ્ધાર માટે સરકારી નાણાંનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવેલો પણ સરદાર પટેલે નહેરુની એમ કહીને બોલતી બંધ કરી દીધેલી 1 કે, કે, સોમનાથ મંદિરના નિર્માણ માટેના 30 લાખ રૂૂપિયા લોકોના દાનમાંથી આવ્યા છે, સરકારી તિજોરીમાંથી નહીં. રાજનાથનું નિવેદન ભાજપના નેતા નરાતર જૂઠાણાં ફેલાવીને લોકોના માનસમાં ઝેર ભરવામાં કેવા પાવરધા છે તેનો વધુ એક નાદાર નમૂનો છે. નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા ને સરદારે તેનો વિરોધ કર્યો તેનો કોઈ રેકોર્ડ જ નથી.
બલ્કે નહેરુના કારણે જ આ મુદ્દો કોર્ટમાં ગયો અને કોર્ટે જ હિંદુઓને રામમંદિર સંકુલ આપ્યું. 1949માં સંકુલમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી પછી ફૈઝાબાદના કલેક્ટર કે.કે. નાયરને નહેરુએ યથાવત સ્થિતિ જાળવી રાખવા કહેલું. નાયરે ધાર્મિક લાગણીઓ ભડકે અને તોફાનો ના થાય એ માટે આ મુદ્દો કોર્ટને સોંપવા કહેલું. નહેરુએ આ વાત સ્વીકારી અને મામલો કોર્ટમાં ગયો. ભગવાન રામ સહિતની મૂર્તિઓની આગળ જાળી લગાવીને તેનું રક્ષણ કરવાનું નાયરનું સૂચન પણ નહેરુએ સ્વીકારેલું. આ સત્તાવાર રેકોર્ડ પરની વાત છે, ભાજપના નેતાઓ દ્વારા કહેવાતો મૌખિક ઈતિહાસ નથી. સરદાર પટેલ બહુ મોટા હતા, મહાન હતા પણ તેમને મહાન બતાવવા માટે નહેરૂૂને નીચા બતાવવાની ગંદી રમત ભાજપ રમી રહ્યો છે એ આઘાતજનક છે.
રાજનાથસિંહે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી અને ભાજપે સરદાર પટેલને યોગ્ય સન્માન આપ્યું છે. મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવીને સરદાર પટેલ તરફ આદર બતાવ્યો. રાજનાથે હુંકાર પણ કર્યો કે, ભાજપ છે ત્યાં સુધી સરદાર પટેલનું નામ ભૂંસવાના પ્રયત્નો સફળ નહીં થાય. રાજનાથસિંહની વાત હાસ્યાસ્પદ છે. ભાજપ સરદાર પટેલની વાતો કરે છે અને કોંગ્રેસે સરદાર પટેલને અવગણે એ વાત પણ સો ટકા સાચી છે પણ ભાજપ કે મોદીને સરદાર પટેલ તરફ અપાર આદર છે એ વાત ખોટી છે. ભાજપનો સરદાર પટેલ માટેનો પ્રેમ રાજકીય સ્વાર્થવશ છે અને મોદીએ પણ કોંગ્રેસની જેમ પોતાનું નામ મોટું કરવાના સ્વાર્થમાં સરદાર પટેલનું નામ ભૂંસ્યું જ છે. અમદાવાદમાં ઊભેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેનો આખી દુનિયાને દેખાય એવો નમૂનો છે.
બાકી કોંગ્રેસે સરદાર પટેલનું નામોનિશાન ભૂંસાવી દેવા બનતું બધું જ કરેલું. કોંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢી બની ગઈ પછી બધા નેતાઓને હાંસિયામાં ધકેલીને ખાનદાનનું મહિમાગાન થયું. સરદાર પટેલ પણ તેમાંથી એક હતા તેથી કોંગ્રેસનું પાપ મોટું છે. આ કારણે ભાજપે સરકાર પટેલ તરફ બતાવેલા અનાદરની બે-ચાર ઘટનાઓને યાદ નથી રાખતા. સામાન્ય લોકોનું ઈતિહાસનું જ્ઞાન મર્યાદિત હોય છે અને યાદદાસ્ત પણ ટૂંકી હોય છે તેથી પણ આ બધી વાતો ભૂલાઈ ગઈ છે.