શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વ
આપણે તંદુરસ્ત શરીર અને નિરોગી જીવન જીવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઇએ છીએ, પરંતુ જો આપણે નિરોગી જીવન જીવવું હોય તો ત્રણ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેમાં વાત, પિત્ત અને કફ છે. આ ત્રણેયને સંતુલિત રાખવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓથી આપણે આપણા શરીરને મુક્ત રાખી શકીએ છીએ. આયુર્વેદ અનુસાર શરીર, મન અને આત્મા - આ ત્રિદંડ છે. આ ત્રણ પરિબળ સંયુક્ત રીતે આપણા જીવનને ચલાવે છે. ત્રણ દોષ( વાત, પિત અને કફ), સાત ધાતુ( રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર), અને ત્રણ મલ( મૂત્ર, સ્વેદ, પુરીષ) દ્વારા આપણું શરીર બનેલું છે. આયુર્વેદ વિજ્ઞાન ત્રિદોષના ત્રણ મૂળભૂત સિધ્ધાંતો પર ટકેલું છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત અને કફ. આ ત્રણ દોષને જાણ્યા વગર આયુર્વેદ વિજ્ઞાનને સમજવુ શક્ય નથી. બાહ્ય જગતને ત્રણ શક્તિઓ કાર્યરત રાખે છે. અગ્નિ , જળ અને વાયુ. સૂર્ય નું પ્રતીક અગ્નિ, ચંદ્રનું પ્રતીક જળ અને વાયુ સ્વયં સર્વત્ર વ્યાપક છે. આવી જ રીતે આપણા શરીરરુપી જગતમાં ત્રણ મૂળ શક્તિઓ કામ કરે છે. જો શરીરમાં કોઈપણ દોષ અસંતુલિત થાય તો શરીર અનેક પ્રકારના રોગોનું ઘર બને છે. વાત અસંતુલિત હોય તો 80 પ્રકારની બીમારીઓ થઇ શકે છે. પિત્ત અસંતુલિત હોય તો 46થી 50 પ્રકારની બીમારીઓ થઇ શકે છે અને કફ વધારે હોય તો 28 પ્રકારની બીમારીઓને આપણે આમંત્રિત કરીએ છીએ.
ત્રણ હજાર વર્ષ પહેલાં વાગ્બટ્ટજી નામક ઋષિ થઇ ગયા, જેમણે બે આયુર્વેદિક પુસ્તક અષ્ટાંગ હૃદયમ અને અષ્ટાંગ સંગ્રહ બહાર પાડ્યા છે. જેમાં તેમણે 7000 નિયમો લખ્યા છે. જેમાં તેમણે વાત, પિત્ત અને કફને લઇને ચાર નિયમ જણાવ્યા છે. જેનું પાલન કરવામાં આવે તો વાત, પિત્ત અને કફને લઇને થનારા રોગ ક્યારેય થશે નહી અને જીવન સંતુલિત રહેશે. વાયુ નું વિશેષ સ્થાન બસ્તિ - પેડુનો વિસ્તાર ગણાવાયો છે. પિતનુ યકૃત,કફનું છાતીનો પ્રદેશ ગણાવાયો છે.વય પ્રમાણે બાળપણમાં કફના રોગો, યુવાવસ્થામાં પિતના રોગો, અને વૃદ્ધાવસ્થામાં વાયુના રોગોનું પ્રમાણ વધારે રહે છે. સમયાનુસાર સવારે કફનું,બપોરે પિતનું અને સાંજે વાયુનું પ્રમાણ વધારે રહે છે. એ જ પ્રમાણે રાત્રીની શરૂૂઆતમાં કફનું, મધ્યભાગમાં પિતનુ અને રાત્રીના અંત ભાગમાં વાયુનું પ્રમાણ વધારે રહે છે.
- વાયુ, પિત્ત અને કફના લક્ષણો અને કારણો વિશે જાણીયે
- વાયુદોષ
વાયુ દોષમાં વધારો થવાથી વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુ:ખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.
વાયુ દોષ થવાના કારણો મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.
- કફદોષ
કફદોષ થવાના કારણો થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે બદલાતી સિઝન, શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, સ્મોકિંગ વગેરે અને ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓ ખાવાની જરૂૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
- પિત્તદોષ
પિત્તદોષ વધવાથી ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. પિત્ત દોષ થવાનાં કારણો ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.
જયારે શરીરમાં કફ વધી જાય છે ત્યારે કફ ને શાંત કરવા દેશી ગોળ ખોરાકમાં લેવો જરૂૂરી છે. એવી જ રીતે જીરું થી પિત્ત ની સમસ્યા ઓછી થાય છે. અને વાયુ માટે મેથી ખાવાથી વા ઓછો થાય છે. માથાનો દુખાવો ગેસ ને કારણે થાય છે.માથાનો દુખાવો મટાડવા માટે પિત્તનો પ્રકોપ ને શાંત કરવું પડે કફ નું પ્રમાણ વધારે હોય તો દેશી ગાય નું દૂધ પીવું. ગાય નું દૂધ એ કફ ને શાંત કરે છે અને ભેંસ નું દૂધ કફ ને વધારે છે.
આપણે સ્વાસ્થ્ય થી ભરેલું જીવન જીવવા માટે આયુર્વેદ અનુસાર આપણા શરીર માંથી વાયુ, પિત્ત અને કફ ને દૂર કરવા જોઈએ.