જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન
40 વિધાનસભા ક્ષેત્રમાં 415 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં આજે (પહેલી ઓક્ટોબર) મતદાન કરવા માટે લોકો જમ્મુમાં મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઊભા જોવા મળે છે. કેન્દ્રશાસિત પ્રદેશના 7 જિલ્લાઓમાં 40 મતદાર ક્ષેત્રોમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. જે રાજકીય પક્ષ સત્તામાં આવે છે તેણે મુદ્દાઓ ઉકેલવા જોઈએ. હું કોઈપણ પક્ષની વિરુદ્ધમાં અથવા તરફેણમાં બોલીશ નહીં. મતદારો નક્કી કરશે કે કોઈ એક પક્ષને બહુમતી આપવામાં આવશે કે નહીં.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાત જિલ્લામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના આ તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ચૂંટણીના આ તબક્કાની મહત્ત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. અગાઉ તેમણે અનુક્રમે 2019 અને 2020 માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.