For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમનો આદેશ સારો પણ રખડતા ઢોરને રાખવા ક્યાં?

10:47 AM Nov 08, 2025 IST | admin
સુપ્રીમનો આદેશ સારો પણ રખડતા ઢોરને રાખવા ક્યાં

સુપ્રીમ કોર્ટે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફરમાન કર્યું છે કે, રાજસ્થાન હાઈ કોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ કરાય અને તમામ બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતાં પશુઓને હટાવવામાં આવે. જે કોઈ તેની સામે વાંધો લે કે ડખા કરે તેની સામે ફરિયાદ કરીને જેલભેગા કરો. સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંના સંદર્ભમાં પણ ખાસ આદેશ આપ્યો છે કે, હોસ્પિટલો, બસ ડેપો, સ્કૂલો અને કોલેજ કેમ્પસ સહિતનાં તમામ જાહેર સ્થળેથી રખડતાં કૂતરાંને ઉઠાવી લો અને તેમની નસબંધી કરી નાંખો. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ખાસ તાકીદ કરી છે કે, કૂતરાંની ખસી કર્યા પછી તેમને જ્યાંથી પકડવામાં આવ્યાં હોય ત્યાં છોડવામાં ના આવે, બાકી આખી ક્વાયતનો કોઈ અર્થ જ નહીં રહે.

Advertisement

સુપ્રીમ કોર્ટે તો રખડતા કૂતરાંના ત્રાસથી બચવા માટે હોસ્પિટલો, સ્કૂલો અને કોલેજ કેમ્પસમાં વાડ લગાવવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશનું ગંભીરતાથી પાલન થાય એ માટે અમલની જવાબદારી તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને સોંપીને ફરમાન કર્યું છે કે, બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે. તમામ ચીફ સેક્રેટરી 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું રજૂ કરશે. આ કેસમાં હવે પછીની સુનાવણી 13 જાન્યુઆરીએ થાય એ પહેલાં બધા નેશનલ હાઇવે પર રખડતા પશુઓની હાજરીની જાણકારી આપવા માટે હેલ્પલાઇન નંબર શરૂૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ મહત્ત્વનો છે અને જનહિતમાં છે કેમ કે રખડતાં કૂતરાંનો ત્રાસ સાચે જ ભયંકર વધી ગયો છે. કમનસીબી એ છે કે, જેમની જવાબદારી આ ત્રાસ રોકવાની છે એ તંત્રને કશું પણ કરવામાં રસ જ નથી. લાંબા સમયથી કૂતરાં જાહેરમાં લોકોને કરડે ને કોઈને મારી પણ નાંખે તો પણ તંત્રમાં બેઠેલાં લોકોનું રૂૂવાડું પણ ફરકતું નહોતું. સુપ્રીમ કોર્ટે પોતાની જવાબદારી અદા કરી દીધી પણ તેના કારણે આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવી આશા રાખવા જેવી નથી કેમ કે સુપ્રીમ કોર્ટે જે કંઈ કહ્યું તેનો અમલ તો નઘરોળ તંત્રે જ કરવાનો છે. બીજો એક મુદ્દો પણ નોંધવા જેવો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો પણ રખડતાં ઢોર કે કૂતરાંને ઉઠાવી લીધા પછી ક્યાં રાખવાં તેની કોઈ વ્યવસ્થા પણ નથી. આ વ્યવસ્થા કરવા માટે દર વરસે બજેટ ફાળવાય છે પણ આ બજેટ ચવાઈ જાય છે તેથી વાસ્તવિક રીતે કોઈ વ્યવસ્થા જ ઊભી કરાઈ નથી. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કૂતરાં કે હરાયાં ઢોરને પકડીને લઈ જવાય તો પણ તેમને ક્યાં રાખવાં એ પ્રશ્ન પણ ઊભો ને ઊભો જ છે. ને આ સમસ્યાનો ઉકેલ શું એ ખબર નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement