બજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
બજેટ વીકના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો બોલાયો.સેન્સેક્સ ઇન્ડેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 76000 ની નીચે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે 578 પોઈન્ટ ઘટી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ 160 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. બેન્કિંગ, આઈટી અને એનર્જી સેક્ટરના શેરોમાં વેચવાલીથી માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર રિયલ એસ્ટેટ સેક્ટર ઇન્ડેક્સ જ તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આ દરમિયાન ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેરમાં મોટો કડાકો દેખાયો. જ્યારે વારી એનર્જીના શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો હતો. રોકાણકારોને આ કડાકાની ખરાબ અસર થઇ અને તેમની મૂડીમાં લાખો કરોડોનો એકઝાટકે ઘટાડો નોંધાયો હતો.
સોમવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,190.46 થી ઘટીને 75,700.43 ના સ્તરે ખુલ્યો અને થોડીવારમાં આ ઘટાડો વધી ગયો. ટ્રેડિંગ શરૂ થયાના 10 મિનિટમાં જ સેન્સેક્સ 578 પોઈન્ટ ઘટ્યો અને 75,612 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીની સ્થિતિ સેન્સેક્સ જેવી જ હતી અને 22,940.15 પર ખુલ્યા પછી તેના અગાઉના બંધ 23,092.20 થી નીચે NSE નિફ્ટી પણ 22,911 પર ટ્રેડ થતો જોવા મળ્યો, જેમાં લગભગ 160 પોઈન્ટનો ઘટાડો થયો.
સપ્તાહના પહેલા જ સત્રમાં રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં ચાલી રહેલા ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ શેરોના માર્કેટ કેપમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 413.35 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં રૂ. 419.51 લાખ કરોડ હતું. એટલે કે રોકાણકારોને 6.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.