અનામતમાં ‘અનામત’નો ચુકાદો વર્ગ-વિગ્રહ નોતરશે
ભારતમાં અનામત સંવેદનશીલ પણ બારમાસી મુદ્દો છે. અનામત મુદ્દે દેશની હાઈકોર્ટો કે સુપ્રીમ કોર્ટમાં ક્યાંક ને ક્યાંક કેસ ચાલ્યા જ કરતા હોય છે ને કોઈ ને કોઈ મુદ્દે વિખવાદ થયા જ કરે છે. આવો જ એક વિખવાદ અનુસૂચિત જાતિ (એસટી) એટલે કે દલિતો અને અનુસૂચિત જનજાતિ (એસટી) એટલે કે આદિવાસીઓ માટેની અનામતમાં સબ કેટેગરી રાખી શકાય તેનો છે. સુપ્રીમ કોર્ટે અનામતમાં સબ કેટેગરી મુદ્દે મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે, અનુસૂચિત જાતિ (એસટી) એટલે કે દલિતો અને અનુસૂચિત જનજાતિ (એસટી) એટલે કે આદિવાસીઓ માટેની અનામતમાં સબ કેટેગરી બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશના હિતમાં નથી પણ તેની વાત કરતાં પહેલાં આ કેસનો થોડો ઈતિહાસ જાણવો જરૂૂરી છે.
આ ચુકાદાના મૂળમાં પંજાબ સરકારે 1976માં કરેલી જોગવાઈ છે. પંજાબ સરકારે 1976માં એસ.સી. અનામતમાં બાલ્મીકિ અને મઝહબી શીખોને પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરતો કાયદો પસાર કરેલો. આ કાયદા પ્રમાણે, પંજાબમાં દલિતો માટેની અનામતમાં 50 ટકા બેઠકો બાલ્મીકિ અને મઝહબી શીખો માટે અનામત રાખવાની જોગવાઈ કરાયેલી. આ કાયદાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકારાયેલો પણ સ્ટે પણ નહોતો મળતો કે ચુકાદો પણ નહોતો આવતો તેથી 30 વર્ષ સુધી એસસી અનામતમાં આ વ્યવસ્થા ચાલુ રહી. આવો જ વિવાદ આંધપ્રદેશમાં પણ થયો હતો. આ ચુકાદો દેશના ફાયદામાં નથી કેમ કે અનામતમાં જ્ઞાતિ આધારિત પેટા અનામત રાખવાનો અર્થ પછાત જ્ઞાતિઓમાં ભાગલા પાડીને તેમને સામસામે મૂકી દેવી એવો છે. જ્ઞાતિઓમાં પેટા અનામત આપીને ભાગલા પાડવાનો વિચાર રાજકારણીઓની મતબેંકની લાલચુ ને હલકી માનસિકતામાંથી ઉદભવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના પર મંજૂરીની મહોર મારી દેતાં દેશ જ્ઞાતિઓ ને પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે ને પરસ્પર નફરત વધશે.
આ રીતે પેટા અનામતના બદલે એસસી, એસટીમાં ક્રીમિ લેયર પ્રથા લાવવી જોઈએ. આદિવાસીઓ અને દલિતોમાં અનામતનો લાભ લેનારાંને ક્રીમિ લેયર ગણીને તેમને સાવ બાજુ પર મૂકીને જેમને સાવ લાભ નથી મળ્યો તેમને લાભ મળે એવું કરવું જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પ્રધાન હોય તેવા એસસી-એસટી, આ વર્ગમાં આઈએએસ, આઈપીએસ સહિતના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરનાં સંતાનો, ડોક્ટર, જે પરિવારમાંથી બે વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તેવા પરિવારોને અનામતનો લાભ ના મળે, તેના બદલે જે પરિવારે કદી અનામતનો લાભ નથી લીધો તેમને અનામતનો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.