મમતાને મહામંડલેશ્ર્વર બનાવવા સામે સાધુ-સંતોની વિરોધની આહલેક
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કિન્નર અખાડા દ્વારા મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકે પટાભિષેક કરવામાં આવ્યા હતો. હવે તેને લઈને સંત સમુદાયની નારાજગી જોવા મળી રહી છે. કિન્નર અખાડાની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શિક્ષણ વિના દીક્ષા આપવા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.
અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવા પર કેટલાક ધાર્મિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે, આ મુદ્દા પર સંત સમુદાય અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યું છે. કેટલાક ધાર્મિક નેતાઓનું કહેવું છે, કે મમતા કુલકર્ણીના કિસ્સામાં ધાર્મિક પરંપરાની અવગણના કરવામાં આવી હતી. તો આ બાજુ કિન્નર અખાડાનું કહેવું છે કે, બધી પ્રક્રિયાઓનું પાલન કર્યા પછી જ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે.
શાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂૂપે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે મમતા કુલકર્ણી પર અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનો આરોપ છે. આ આરોપોમાંથી તેઓ મુક્ત થયા છે કે નહીં, મને ખબર નથી. તેમણે કહ્યું કે, ત્યાર બાદ પણ તેમને મહામંડલેશ્વર બનાવવા અયોગ્ય છે. કિન્નર અખાડા એક નકલી યુનિવર્સિટી છે અને ગેરકાયદેસર ડિગ્રીઓનું વિતરણ કરી રહી છે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને સંન્યાસ આપવાનો કોઈ અધિકાર નથી.
સ્વામી આનંદ સ્વરૂૂપે વધુમાં કહ્યું કે કિન્નર અખાડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ થવો જોઈએ. તેમજ જો તેમને ભવિષ્યમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે તો અમે તેમાં સામેલ થઈશું નહીં.
પ્રથમ કિન્નર કથાકાર જગતગુરુ હિમાંશી સખીએ કહ્યું કે કિન્નર અખાડો કિન્નર સમુદાય માટે બનાવવામાં આવ્યો હતો. અને જો તમે કિન્નરો સિવાયની સ્ત્રીઓને મહામંડલેશ્વર બનાવવા માંગતા હોવ તો તેમનું નામ બદલીને બીજું રાખો. કોઈ પણ શિક્ષણ આપ્યા વિના દીક્ષા આપવામાં આવી છે. મમતા કુલકર્ણીનું મુંડન પણ કરવામાં નથી આવ્યું. ચોટી કાપીને તેમને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા, આ યોગ્ય નથી.
મહાકુંભમાં ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકે મહામંડલેશ્વર બનાવવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. બાગેશ્વર બાબાએ કહ્યું કે કોઈના પ્રભાવમાં આવીને કોઈને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય. આ પદવી માત્ર એવી વ્યક્તિને જ આપવી જોઈએ જેમાં સંત કે સાધ્વીની ભાવના હોય. તેમણે કટાક્ષમાં કહ્યું કે હું પોતે આજ સુધી મહામંડલેશ્વર બની શક્યો નથી.તો અહીં જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીએ કહ્યું કે મમતા કુલકર્ણીના નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ. તે સનાતનના માર્ગ પર આગળ વધી રહી છે.
અભિનેત્રી મહામંડલેશ્વર બની છે તેના વિશે બાબા રામદેવે કહ્યું કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં સંત પદ પ્રાપ્ત કરી શકતું નથી. તેને પ્રાપ્ત કરવા માટે વર્ષોની સાધના કરવી પડે છે. સંતત્વ પ્રાપ્ત કરવા માટે 50-50 વર્ષની તપસ્યા લાગે છે, તેને સંતત્વ કહેવાય છે.
સંત હોવું એ મોટી વાત છે, પરંતુ મહામંડલેશ્વર હોવું એ તેનાથી પણ ખૂબ મોટી વાત છે. આજકાલ હું જોઉં છું કે, કોઈનું માથું પકડીને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે છે. ખરેખર આવું ન થવું જોઈએ, ખોટું છે.
કિન્નર અખાડાનો વળતો જવાબ આપ્યો
આચાર્ય મહામંડલેશ્વર કિન્નર અખાડા ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ આ સમગ્ર મુદ્દા પર જોરદાર રીતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે મમતા કુલકર્ણી 2022 થી મારા સંપર્કમાં છે. તેઓ ભક્તિના માર્ગ પર આગળ વધી રહ્યા છે. તેમનું જીવન અને કાર્યો સંયમિત હતા. તેથી, અખાડાએ સમગ્ર પરંપરાનું પાલન કરીને તેમને મહામંડલેશ્વર બનાવ્યા છે. આ સાથે વિરોધ કરી રહેલા સંતો પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, આવા લોકો સનાતન ધર્મના પતનનું કારણ છે.