આજી ડેમ નજીક નહાવા ઉપરાંત અવરજવર બંધ કરવા લોકોને મહાપાલિકાની કડક તાકીદ
લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આજી ડેમ તથા તેની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ દ્વારા અવરજવર ન કરવા તેમજ જાહેર જનતાએ પાણીમાં નહાવા કે કોઇપણ જાતની પ્રવૃતી માટે ન ઉતરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરાઇ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિંચાઇ વિભાગ હસ્તકના આજી-1 જળાશયમાંથી રાજકોટ શહેરની જનતા માટે પીવાના હેતુથી દૈનિક પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આજી-1 જળાશયની હાલની સપાટી 21.29 ફૂટ છે. આ ડેમ પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ડેમના સંપુર્ણ વિસ્તારમાં માછીમારી કરવી, વાહનો ધોવા તેમજ નાહવા પર મનાઇ છે તેમજ આ પ્રકારની પ્રવૃતીને લીધે દુર્ઘટના થવાની પણ શકયતા રહેલી છે.
આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવેલ હોય, ડેમના સ્ત્રાવક્ષેત્રમાં આ પ્રકારની પ્રવૃતીને લીધે જાનહાનીની શકયતા રહેલી છે. જેથી લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આજી ડેમ તથા તેની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ દ્વારા અવરજવર ન કરવા તેમજ જાહેર જનતાએ પાણીમાં નહાવા કે કોઇપણ જાતની પ્રવૃતી માટે ન ઉતરવા આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરાઇ છે.