તામિલનાડુમાં હિંદી પર પ્રતિબંધની હિલચાલ માત્ર ને માત્ર રાજકીય ફાયદા ખાતર છે
તમિળનાડુની એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શાળાઓમાં ત્રિભાષી ફોર્મ્યુલાના અમલ મુદ્દે ચાલી રહેલી પટ્ટાબાજી વચ્ચે નવા સમાચાર આવ્યા છે. દેશભરના મીડિયાએ દાવો કર્યો છે કે, સ્ટાલિન સરકાર આખા તમિળનાડુમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ મૂકવા માટેનું બિલ વિધાનસભામાં લાવવાની તૈયારીમાં છે.
આ બિલ દ્વારા તમિળનાડુમાં હિન્દી ભાષાનાં હોર્ડિંગ્સ, બેનર્સ, સાઈન બોર્ડ વગેરે પર તો પ્રતિબંધ મૂકી જ દેવાશે પણ હિન્દી ફિલ્મો અને ગીતો પર પણ પ્રતિબંધ મૂકી દેવાશે. મોદી સરકાર આખા દેશની જેમ તમિળનાડુની સરકારી શાળાઓમાં પણ ત્રિભાષી ફોર્મ્યુલાના અમલીકરણ અંગે મક્કમ છે ને સામે સ્ટાલિન પણ અડી ગયા છે તેથી તમિળનાડુમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ આવી જશે. મીડિયા રિપોર્ટમાં તો એવો દાવો પણ કરાયો કે, સૂચિત કાયદા અંગે ચર્ચા કરવા માટે મંગળવારે રાત્રે કાનૂની નિષ્ણાતો સાથે એક તાકીદની બેઠક કરાઈ હતી. ને તેમાં બિલનો મુસદ્દો તૈયાર કરી દેવાયો છે. બુધવારે વિધાનસભામાં આ બિલ મુકાશે એવો દાવો પણ કરાયેલો પણ આ દાવો સાચો પડ્યો નથી. અલબત્ત તમિળનાડુ સરકારના અધિકારીઓ અને ડીએમકેના નેતાઓ પણ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે એટલે સાચું શું એ ખબર પડતી નથી.
પત્રકારોએ તમિળનાડુ સરકારના અધિકારીઓને આ અંગે સવાલ પૂછ્યો તો તેમણે સીધો જવાબ આપવાના બદલે એવું કહ્યું કે, સરકાર બંધારણનું પાલન કરશે. ડીએમકેના ટોચના નેતા ટીકેએસ એલંગોવને પણ એ જ રેકર્ડ વગાડીને કહ્યું છે કે, અમે બંધારણ વિરુદ્ધ કંઈ કરીશું નહીં અને બંધારણનું પાલન કરીશું પણ અમે હિન્દી લાદવાની વિરુદ્ધ છીએ. ખેર, સ્ટાલિન સરકાર આ બિલ લાવશે ને વાગતું વાગતું સામે આવશે ત્યારે સૌને ખબર પડશે જ પણ આ પ્રકારનું બિલ સ્ટાલિન લાવે તો એ બહુ મોટી મૂર્ખામી હશે કેમ કે બંધારણીય રીતે કોઈ રાજ્ય સરકાર આવું બિલ ના લાવી શકે. રાજ્ય સરકારોને કોઈ પણ ભાષા પર પ્રતિબંધ લાદવાનો અધિકાર જ નથી. ભારતમાં કોઈ ભાષા પર કાયદેસર રીતે પ્રતિબંધ ના મૂકી શકાય કારણ કે ભારતના બંધારણ કલમ 29 હેઠળ દેશના તમામ નાગરિકો માટે અલગ ભાષાઓ, લિપિઓ અને સંસ્કૃતિઓનું સંરક્ષણ કરવાનો અધિકાર મળેલો છે.
રાજ્ય સરકાર રાજ્યમાં સત્તાવાર કામગીરીમાં કોઈ ભાષાના ઉપયોગને નિયંત્રિત કરી શકે છે પણ જાહેર ઉપયોગને પ્રતિબંધિત ના કરી શકે અથવા ભાષાના વપરાશ પર પ્રતિબંધ ના મૂકી શકે. આ સંજોગોમાં સ્ટાલિન બહુ બહુ તો સરકારી કામકાજમાં હિંદીનો ઉપયોગ નહીં કરવાનો ફતવો બહાર પાડી શકે પણ હિંદીનો ઉપયોગ જ ના થાય એવું તો ના જ કરી શકે. હિન્દી તો દેશની બંધારણીય રીતે સ્વીકૃત રાજ્યભાષા છે પણ કોઈ બહુ મર્યાદિત વિસ્તારમાં બોલાતી ભાષા પર પણ પ્રતિબંધ મૂકવાનો અધિકાર કેન્દ્ર સરકારને પણ નથી ત્યારે રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકવાની કોશિશ કરે એ મૂર્ખામી જ કહેવાય.