આર્થિક-સામાજિક ઉપાધિઓમાં ઘેરાયેલો મધ્યમવર્ગ ખુદ ભાવનાત્મક પ્રવાહમાં તણાય છે
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. આ કારણે રાજકારણીઓ ફટાફટ નિતનવા વેશ ધારણ કરી રહ્યાં છે. સામાન્ય રીતે રાજકારણીઓ ચૂંટણીઓમાં ગરીબ મતદારોને રીઝવવા માટેના વેશ જ ધારણ કરતા હોય છે કેમ કે આ દેશમાં ગરીબોની સંખ્યા વધારે છે અને ગરીબોને નાના નાના ટુકડા ફેંકીને ઝડપથી ખરીદી શકાય છે એવી રાજકારણીઓની માનસિકતા છે. આ માનસિકતાના કારણે દિલ્હીમાં પણ ગરીબો પર રાજકારણીઓ બરાબર વરસી રહ્યા છે. ગરીબ પરિવારોને મફત અનાજ, ગરીબ મહિલાઓને મહિને આટલા રૂૂપિયા, ગરીબ વિદ્યાર્થીઓને મફત આ ને પેલું એવી નિતનવાં વચનોની લહાણી થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અચાનક નવો વેશ ધારણ કરીને પ્રગટ થયા છે.
અરવિંદ કેજરીવાલને અચાનક જ મધ્યમ વર્ગ પર હેત ઊભરાયું છે તેથી તેમણે મધ્યમ વર્ગ માટેનો મેનિફેસ્ટો બહાર પાડી દીધો. કેજરીવાલના કહેવા પ્રમાણે, આ દેશનો મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો શિકાર બન્યો છે અને મધ્યમ વર્ગ સરકારનું એટીએમ બની ગયો છે. કેન્દ્રમાં આવેલી સરકારોએ ડરાવી-ધમકાવીને મધ્યમ વર્ગને કાબૂમાં રાખ્યો છે અને એ લોકો મધ્યમ વર્ગ માટે કંઈ કરતા નથી. કેજરીવાલના કહેવા પ્રમાણે, સરકારને તેમની જરૂૂર પડે છે ત્યારે સરકાર ટેક્સના હથિયારનો ઉપયોગ કરીને તેમને ખંખેરે છે ને બદલામાં મધ્યમ વર્ગને કશું જ નથી મળતું. હવે કેજરીવાલની વાતોમાં આવવું કે નહીં એ દિલ્હીની પ્રજાએ નક્કી કરવાનું છે પણ કેજરીવાલની એક વાત સાચી છે કે, આ દેશનો મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો ભોગ બન્યો છે. આ દેશમાં મધ્યમ વર્ગ કંઈ પણ કરે, તેના પર તેણે ટેક્સ ભરવો પડે છે. વધારે આઘાતજનક વાત એ છે કે, આપણે બધા મલ્ટિ લેવલ ટેક્સનો શિકાર છીએ. આ દેશનાં 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ, તેલ, ખાંડ, મીઠું વગેરે આપવામાં વપરાય. મધ્યમ વર્ગ મજૂરી કરે ને ગરીબો મફતના રોટલા તોડે. બેશરમીની હદ પાછી એ છે કે સત્તામાં બેઠેલા લોકો 80 કરોડ ગરીબોને મફત અનાજ આપવા માટે ગર્વ અનુભવે.
કમનસીબે આ દેશના મધ્યમ વર્ગને આ બધું સમજાતું નથી. તેમને રાહુલ ગાંધી વિદેશ કેમ જાય છે તેમાં રસ છે ને સંભલમાં જામા મસ્જિદની નીચે શું મળ્યું તેમાં રસ છે. રૂૂપિયો ડોલર સામે ગબડીને 87 રૂૂપિયા પર આવી ગયો તોય આપણે વિશ્વગુરુ છીએ એવા જૂઠાણાંમાં રસ છે.