રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાયદો તોડનારને હીરો માનવાની માનસિકતા

10:39 AM Dec 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી ગડકરીએ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માત અંગે લોકસભામાં ચિંતા વ્યક્ત કરીને જે વાત કરી એ વિચારતા કરી મૂકે એવી છે. ગડકરીએ કહ્યું કે, રોડ પર થતા અકસ્માતો રોકવાના તમામ પ્રયાસો છતાં દેશમાં એક વર્ષમાં 1.68 લાખ લોકો રોડ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યાં છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 60 ટકા યુવાનો હતા.

રોડ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કાયદાનો અમલ અને લોકોમાં જાગૃતિ એ ચાર પરિબળો માર્ગ અકસ્માતોને ઘટાડવામાં મદદ કરી શકે છે, પણ લોકો રસ્તાઓ પર નિયમોનું ચુસ્તપણે પાલન નથી કરતા તેના કારણે મોટી સંખ્યામાં આ મૃત્યુ થયાં છે. અમે દંડ પણ વધાર્યો છે પણ લોકો નિયમોનું પાલન કરતા નથી કેમ કે આપણા સમાજની સૌથી મોટી સમસ્યા એ છે કે સમાજના લોકોમાં ન તો કાયદા તરફ માન છે કે ન તો કાયદાનો ડર છે. લોકો રેડ સિગ્નલ પર પોતાનાં વાહનો રોકતા નથી, હેલ્મેટ નથી પહેરતા, કારમાં બેઠા હોય તો સીટ બેલ્ટ નથી બાંધતા ને આવી તો અનેક સમસ્યાઓ છે. ગડકરીએ આપેલા આંકડા પ્રમાણે દેશમાં દર વર્ષે 30,000 લોકો તો હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુ પામે છે. આ દેશમાં લોકો કાયદાથી ડરતા નથી કે માન નથી આપતા તેનું કારણ સરકારમાં બેઠેલા લોકો છે, રાજકારણીઓ છે. સૈદ્ધાંતિક રીતે આદર્શ સ્થિતિ એ છે કે, લોકોમાં કાયદા તરફ માન હોય ને અંદરથી જ કાયદો પાળવાની ઈચ્છા પેદા થાય. ભારતનાં લોકોની માનસિકતા જ કાયદાને માન આપવાની નથી. ખબર નથી પણ કેમ, આપણે ત્યાં માનસિકતા જ કાયદો તોડવામાં બહાદુરી સમજવાની ઘડાઈ ગઈ છે. આ દેશમાં લોકો પણ કાયદો નહીં પાળનારને હીરો માને છે. તેના કારણે આ માનસિકતા પ્રબળ થતી જાય છે. આ વાસ્તવિકતા છે ને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સંસદમાં વધતી જતી અપરાધીઓની સંખ્યા છે. જે દેશની પ્રજા પોતાના પ્રતિનિધીઓ તરીકે ગુનેગારોને અને ગેંગસ્ટર્સને મોકલતી હોય એ પ્રજા કાયદાને માન આપે એવી આશા જ ક્યાંથી રાખી શકાય? તેમાં પણ ટ્રાફિકના નિયમો પાળે એવી તો આશા રખાય જ નહીં.

આ સંજોગોમાં સરકારે જ કાયદાનો અમલ કરાવવો પડે ને લોકોને દંડા મારી મારીને સીધા કરવા પડે પણ કમનસીબે એવું થતું નથી. તેનું કારણ એ કે, સરકારમાં બેઠેલા લોકોમાં દમ નથી અને તંત્ર સાવ ભ્રષ્ટ છે. તંત્ર ટ્રાફિકના નિયમો તોડનારાને તોડ કરીને જવા દે છે, હેલ્મેટ સહિતના કાયદાનો કોઈ અમલ કરતું નથી. ઘણા કિસ્સામાં સત્તામાં બેઠેલા લોકો પણ આ રીતે કાયદો તોડનારને છાવરે છે કે પછી લોકો નારાજ થઈ જશે એ ડરે કડક અમલ નથી થવા દેતા. બીજું એ કે, ગંભીર અકસ્માતોના કિસ્સામાં ભાગ્યે જ કોઈને સજા થાય છે. છેલ્લા કેટલાક વરસોથી લક્ઝુરિયસ કાર ચલાવીને અકસ્માતો સર્જવાની ઘટનાઓ વધતી જ જાય છે. આવી ઘટનાઓમાં અકસ્માત સર્જનારાને પોલીસ અને સત્તામાં બેઠેલા રાજકારણીઓ પણ તોડ કરીને છોડી દે છે. હિટ એન્ડ રનના કેસમાં લોકો મરી ગયાં હોય ને દાખલો બેસે એવી કાર્યવાહી તંત્રે કરી હોય કે કોર્ટે એવી સજા કરી હોય એવો એક પણ કિસ્સો યાદ નહીં આવે.

Tags :
indiaindia newsrules
Advertisement
Next Article
Advertisement