હરિયાણાના આઇપીએસ અધિકારીની સ્યુસાઇડ નોટમાં વર્ણવાયેલી આપવીતી સાચી હોય તો ખૂબ શરમજનક
હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય . પૂરણ કુમારની આત્મહત્યાએ ખળળભાટ મચાવ્યો છે. પૂરણ કુમારનાં આઈએએસ અધિકારી પત્ની અમનીત કૌર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે સત્તાવાર રીતે જાપાનની યાત્રાએ ગયેલાં ત્યારે પૂરણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પૂરણ કુમારે આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટમાં હરિયાણાના 15 ઉચ્ચ અધિકારીઓ પર પોતાને માનસિક યાતના આપીને આપઘાત કરવા મજબૂર કર્યા હોવાનો આક્ષેપ મૂક્યો છે.
હરિયાણાના પોલીસ વડા શત્રુઘ્ન કપૂર અને રોહતકના એસપી નરેન્દ્ર બિજરનિયા સહિતના અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષથી પોતાનું જીવવું હરામ કરી નાખ્યું હતું એવો આક્ષેપ પૂરણ કુમારની સુસાઈડ નોટમાં છે. પૂરણ કુમાર 25 સપ્ટેમ્બરથી સુનારિયા-રોહતકના પોલીસ તાલીમ કેન્દ્રના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે ફરજ બજાવતા હતા.
અંબાલા, રોહતક અને કુરુક્ષેત્ર સહિતના હરિયાણાના અનેક જિલ્લાઓમાં સેવા આપી ચૂકેલા પૂરણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતા અને મે 2033માં સત્તાવાર રીતે નિવૃત્ત થવાના હતા પણ ઉચ્ચ અધિકારીઓની કનડગતના કારણે તેમણે જીવનમાંથી જ કાયમી નિવૃત્તિ લઈ લીધી. પૂરણની સુસાઈડ નોટના આધારે પૂરણ કુમારનાં પત્નિ અમનીત પી. કુમારે મુખ્યમંત્રી સૈનીને ચાર પાનાની ફરિયાદ આપી તેમાં સુસાઇડ નોટમાં નામ આપવામાં આવેલા અધિકારીઓ સામે એફઆઈર નોંધાય, તેમને સસ્પેન્ડ કરાય, તેમની ધરપકડ કરવામાં આવે અને પરિવારને કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે. અમનીતની ફરિયાદના આધારે એફઆઈઆર તો નોંધાઈ પણ હજુ સુધી કોઈ અધિકારી સામે પગલાં નથી લેવાયાં.
નથી તેમને સસ્પેન્ડ કરાયા કે નથી તેમની ધરપકડ કરાઈ. પૂરણ કુમારે સુસાઈડ નોટમાં કરેલા આક્ષેપો હિંદુ સમાજ હજુય જ્ઞાતિવાદના ગંદવાડમાં સબડે છે ડે છે તેના પુરાવારૂૂપ છે. છે. પૂરણ કુમારની આઠ પાનાંની સુસાઈડ નોટમાં આક્ષેપ છે કે, તેમને સવર્ણોના મનાતાં મંદિરોમાં જવા બદલ સતત હેરાન કરવામાં આવ્યા હતા. તેનો ડંખ રાખીને રજા મંજૂર ના કરાતાં પૂરણ કુમાર મૃત્યુ પહેલાં તેમના પિતાને મળી શક્યા ન હતા. સતત બદલીઓ કરાતી હતી અને જ્યાં કંઈ કામ ના કરવાનું હોય એવા હોદ્દા ઊભા કરીને ટ્રાન્સફર કરી દેવાતી હતી.
ઘણી વાર તો અસ્તિત્વમાં ન હોય તેવા હોદ્દા પર મોકલીને અપમાનિત અને હાંસીને પાત્ર બનાવી દેવાયા હતા. પૂરણ કુમારે અધિકારીઓના નામજોગ બીજા આક્ષેપો પણ કર્યા છે ને પોતાની કેવી રીતે કનડગત કરાતી હતી તેનો ચિઠ્ઠો ખોલી દીધો છે. પૂરણે આ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં રજૂઆતો પણ કરેલી પણ કોઈ પરિણામ નહોતું આવ્યું. બલકે પરેશાન કરનારા અધિકારીઓને છાવરાતા તેથી એ બધા ફાટીને ધુમાડે ગયેલા. અમનીતના જંગનું શું પરિણામ આવશે એ ખબર નથી પણ પૂરણ કુમારનો આપઘાત આપણી કલંક કથા છે તેમાં શંકા નથી.
આ દેશમાં એક આઈપીએસ અધિકારીને કહેવાતી નીચલી જ્ઞાતિનો હોવાના કારણે હડધૂત કરાતો હોય, તેની -સાથે ભેદભાવ કરાતો હોય તો સામાન્ય દલિતોની શું હાલત હશે એ વિચારવાની જરૂૂર છે. અમનીત તો પતિ માટે લડી શકે -છે કેમ કે આઈએએસ અધિકારી છે પણ પૂરણ જેવા તો -કેટલાય મરી જતા હશે ને કોઈને ખબર પણ નહીં પડતી હોય. આઝાદીનાં 78 વર્ષ પછી પણ આ દેશ આવી સંકુચિત માનસિકતા સાથે જીવે છે ને પછાતપણામાં સબડે છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે.
આપણે સાંભળ્યા કરીએ છીએ કે, છેલ્લાં કેટલાંક વરસોમાં હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે, હિંદુઓમાં એકતા મજબૂત થઈ છે પણ પૂરણ કુમારનો કિસ્સો એ વાતનો પુરાવો છે, આ વાતો એક ભ્રમથી વધારે કંઈ નથી. હિંદુઓમાં હજુય સવર્ણો અને નીચલી જ્ઞાતિ એવા ભેદભાવ છે જ. પૂરણ કુમારે આ ભેદભાવનો ભોગ બનીને જીવ આપ્યો પછી હિંદુઓ જાગે તો સારું કે જેથી ફરી પૂરણ કુમાર જેવા કોઈનો ભોગ ના લેવાય.