ચુંટણીઓને કારણે GST કાઉન્સીલની મીટિંગ એક મહિનો મોડી યોજાશે
જીએસટી કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લેશે. અગાઉ આ બેઠક નવેમ્બરમાં થવાની શક્યતા હતી, પરંતુ હવે ડિસેમ્બરમાં યોજાશે. હાલમાં આવનારી મહારાષ્ટ્રની ચુંટણીઓને લઇને આ બેઠક મોડી કરાઇ હોવાનું સુત્રો જણાવી રહયા છે.
જીએસટી કાન્સિલની આ બેઠકમાં રાજ્યોના નાણા મંત્રીઓ આગામી નાણાકીય વર્ષના બજેટ સાથે સંબંધિત તેમના સૂચનો પણ રજૂ કરશે, જે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે.
આ બેઠકમાં અત્યંત મહત્ત્વના અને વર્ષોથી થઈ રહેલી માગ પૂરી થવાનો અંદાજ છે. જેમાં ટર્મ અને લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર જીએસટી દૂર કરવા અથવા છૂટ આપવાની માગ છે. આ મામલે રાજ્યોના મંત્રીઓની કમિટીએ રિપોર્ટ રજૂ કરી દીધો છે. અગાઉ આ કમિટીએ ઓક્ટોબર, 2024માં હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સને જીએસટીમાંથી બાકાત કરવા સહમતિ દર્શાવી હતી. તદુપરાંત વરિષ્ઠ નાગરિકોના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં છૂટ આપવાની જોગવાઈ પણ અમલમાં મૂકી શકે છે.
બેઠકમાં પાંચ લાખ સુધીના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં રાહત આપવાની શક્યતાઓ નિષ્ણાતોએ જણાવી રહ્યા છે. હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ માર્કેટને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ સુધારાતરફી નિર્ણયો લઈ શકે છે.