મહામાનવ રતન ટાટા, એક સુવર્ણયુગનો અંત
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 86 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું, જે દેશ માટે એક મોટું નુકસાન છે. રતન ટાટાનું નામ ભારતીય ઉદ્યોગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ ચુક્યું છે. જ્યારે પણ ભારતમાં ઉદ્યોગપતિઓની વાત થશે, રતન ટાટાનું નામ સર્વોપરિ રહેશે. તેમણે પોતાના જીવનમાં ઐતિહાસિક કાર્યો કર્યા છે. તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રતન ટાટાને ભારતીય ઉદ્યોગના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમના વ્યક્તિગત જીવનની સરળતા અને એમની કાર્યશીલતા લોકોને પ્રભાવિત કરતી રહી છે. ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે રતન ટાટાએ જે પ્રદાન કર્યું છે, તે દેશ અને વિશ્વના વિકાસમાં નોંધપાત્ર રહ્યું છે. ભારતના નિર્માણમાં તેમનું યોગદાન અસાધારણ રહ્યું છે, અને એ બધી સિદ્ધિઓ સમયની પરિધિ પર એક અમિટ છાપ છોડી ગઈ છે. કોરોના મહામારીના કપરા સમયમાં, જ્યારે સમગ્ર વિશ્વ આ મહામારી સામે લડી રહ્યું હતું, ત્યારે રતન ટાટા આગળ આવ્યા હતા અને તેમણે તે સમયે 500 કરોડ રૂૂપિયાની સહાય જાહેર કરી હતી. તેમણે એકસ પર લખ્યું કે, કોવિડ-19 આપણા માટે મોટી મુશ્કેલી બનીને આવ્યું છે.
ટાટા ટ્રસ્ટ અને ટાટા સમુહની કંપનીઓએ હંમેશા દેશની સેવા કરી છે, અને કોરોનાકાળમાં પણ તેમણે ઉદાર યોગદાન આપ્યું. આ કાર્ય રતન ટાટાની સમાજપ્રત્યેની જવાબદારી અને કરુણાના ભાવને દર્શાવે છે. રતન ટાટા તેમના નમ્ર સ્વભાવ અને ઉદાર હૃદય માટે ખુબ જાણીતા હતા. જીવનભર તેઓએ કરુણા અને પ્રેમનો સંદેશ આપ્યો હતો, ખાસ કરીને પ્રાણીઓ માટે. શ્વાન પ્રત્યે તેમનો ખાસ પ્રેમ હતો અને તે તેમને પરિવારના હિસ્સા તરીકે માનતા હતા. થોડા દિવસ પહેલા જ રતન ટાટાએ શ્વાન સહિત તમામ પ્રાણીઓ માટે એક વિશિષ્ટ હોસ્પિટલ ખોલી હતી. રતન ટાટાએ મુંબઈમાં 5 માળની વિશાળ હોસ્પિટલ બનાવી, જ્યાં એક સાથે 200 પાલતુ પ્રાણીઓની સારવાર થઈ શકે છે.
આ અદ્યતન હોસ્પિટલ 165 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને તેમાં પ્રાણીઓની સારવાર માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ટાટા ગ્રુપે શરૂૂઆતમાં મોટાભાગે મોટા વાહનોના ઉત્પાદન માટે પોતાનું નામ બનાવ્યું હતું. રતન ટાટાએ 1998માં નાના વાહનોના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું અને ટાટા ઇન્ડિકા કારને માર્કેટમાં લોન્ચ કરી. આ કાર સંપૂર્ણપણે સ્વદેશી હતી. લોકોએ આ કારને એટલી પસંદ કરી કે વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. ટાટા ઇન્ડિકા એ ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક નવો માઇલસ્ટોન સર્જ્યો હતો, અને ટાટા ગ્રુપને નવા સ્તરે પહોંચાડ્યું હતું. ટાટા ગ્રુપના બીજા મહત્વપૂર્ણ પ્રયોગ તરીકે, રતન ટાટાએ 2008માં ટાટા નેનો કાર લાવી, જેની કિંમત 1 લાખ રૂૂપિયાથી ઓછી હતી. જ્યારે લોકો ભારતમાં સોફ્ટવેર કંપનીઓનો ઉલ્લેખ કરે છે, ત્યારે તેમના મગજમાં પહેલું નામ આવે છે ટીસીએસ. ટીસીએસએ વિશ્વની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સર્વિસીસ કંપનીઓમાંની એક છે. જેણે ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાનની સાથે સાથે મોટા પાયે રોજગારીનું સર્જન પણ કર્યું છે.