નીટ મુદ્દે તારીખ પે તારીખથી લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળુ
ભારતમાં સરકારી તંત્ર નિંભર છે અને ન્યાયતંત્ર એટલું ધીમું છે કે કોઈ પણ માણસ હાંફી જાય. દેશભરની મેડિકલ કોલેજોમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સિસમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી)ના મુદ્દે ચાલી રહેલું ચલકચલાણું તેનો તાજો પુરાવો છે. 5 મેના રોજ યોજાયેલી આ પરીક્ષામાં 26 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરાયું ત્યારથી સંખ્યાબંધ વિવાદોમાં સપડાયેલી છે. ગ્રેસ માર્ક્સ આપીને રીતસરનો દેખીતો ભ્રષ્ટાચાર કરવાથી માંડીને પેપર ફૂટવા સુધીના કાંડ આ પરીક્ષામાં થયા છે.
આ પરીક્ષાની કોઈ વિશ્ર્વસનીયતા રહી નથી કે પરીક્ષા લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કોઈ વિશ્ર્વસનીયતા રહી નથી છતાં કેન્દ્રની મોદી સરકાર એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, પરીક્ષામાં કોઈ મોટા પાયે ગેરરીતિ થઈ જ નથી. કેન્દ્ર સરકારે પહેલાં જ કોર્ટને કહી દીધું છે કે, પોતે નીટ ફરીથી યોજવાના પક્ષમાં નથી. કેન્દ્ર સરકારની ફરીથી પરીક્ષા નહીં લેવા માટેની વાહિયાત દલીલ એ જ છે કે, પરીક્ષામાં નાની મોટી ગરબડો થઈ હશે પણ મોટા પાયે ગેરરીતિ થઈ નથી. હવે મોટા પાયે ગેરરીતિની મોદી સરકારની વ્યાખ્યા શું છે એ આપણને ખબર નથી પણ સુપ્રીમ કોર્ટે જ્યારે સુનાવણી શરૂૂ થઈ ત્યારે કહેલું કે, પચાસ-સો વિદ્યાર્થીઓને પણ અન્યાય થયો હોય તો એ ના થવા દેવાય આ વાત સો ટકા સાચી હતી પણ સુપ્રીમ કોર્ટના માનનીય જજ સાહેબો પોતે આવું કહેલું એ જ ભૂલી ગયા છે ને સરકારની વાતને વધારે મહત્ત્વ આપ્યા કરે છે.
નીટ આપનારા લાખો વિદ્યાર્થીઓની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે. નીટ-યુજી પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે કે નહીં એ સવાલનો જવાબ એ લોકોને જોઈએ છે પણ સુપ્રીમ કોર્ટ ફોડ પાડીને વાત કરતી નથી ને તારીખ પે તારીખ, તારીખ પે તારીખ આપ્યા કરે છે. છેલ્લા એક મહિનાથી આ ખેલ ચાલે છેને સુપ્રીમ કોર્ટ પરીક્ષા ફરી યોજવી કે નહીં એ મુદ્દે કોઈ ચુકાદો આપશે ને 26 લાખ વિદ્યાર્થીઓનો છુટકારો કરશે એવી આશા હતી પણ એવું કશું થયું નહીં. હવે આ મામલે 18 જુલાઈએ સુનાવણી થશે. બુધવારે સીબીઆઈએ કોર્ટમાં બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટનો અભ્યાસ કરશે ને પછી કંઈક નિર્ણય લેશે એવી આશા રખાઈ રહી છે.હવે મોદી સરકારની મોટી ગેરરીતિની વ્યાખ્યા શું છે તેની તેમને જ ખબર પણ માનો કે દસ વિદ્યાર્થીને પણ નુકસાન જાય તો તેમની જિંદગી સાથે તો રમત થઈ ગઈ કહેવાય કે નહીં ? અને આ વિદ્યાર્થીઓને થનારું નુકસાન કોણ ભરપાઈ કરશે ? ને જે લોકો લાયક નથી એ લોકો ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે રમત રમશે તેના માટે જવાબદાર કોણ ? કમનસીબી એ છે કે, 26 લાખ વિદ્યાર્થી લટકેલા છે ને તેમની માનસિક સ્થિતિ શું છે તેની કોઈને પરવા જ નથી.