લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ની ચોથી સિઝન 24મીએ થશે રિલીઝ
નવી વાર્તા, નવા માહોલ સાથે જૂના પાત્રો જમાવટ કરશે
પંચાયત એ સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક સિરીઝ છે, જેની દરેક સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે તેની નવી સીઝનની રિલીઝ ડેટ જાહેર કરી દેવાઈ છે. પંચાયતની ચોથી સીઝન 24 જૂને રિલીઝ કરવામાં આવશે. નવી સીઝન સાથે ફુલેરામાં નવી વાર્તા અને નવો માહોલ જોવા મળશે. એ જ ચહેરાઓ અને એ જ પાત્રો નવા પડકારો અને નવી રમુજ સાથે ફરી એ જ હુંફ અને લાગણીનો અનુભવ કરાવશે.
આ સીઝનમાં પણ જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્ચાસ રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ જ્હા મહત્વના પાત્રોમાં જોવા મળશે. આ સીઝનમાં સ્વાનંદ કિરકિરેનું નવું પાત્ર જોવાની પણ મજા આવશે. આ સિરીઝ એમેઝઓન પ્રાઇમ વીડિયો પર 24 જૂનથી 240 દેશોમાં જોઈ શકાશે.
આ સીઝનના ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ સીઝનમાં મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે અને તેનાથી દર્શકોને વધુ મજા અને મનોરંજન મળશે. બંને પક્ષ ચૂંટણીમાં એકબીજાને માત આપવા તૈયાર છે, બંનેના ચોટદાર સૂત્રો લખાઈ રહ્યાં છે અને એકબીજાના મુલ્યો અને વચનો પર મરી મસાલા ભભરાવવા તૈયાર છે. સાથે જ આ વખતની સીઝનમાં બંને પક્ષોના મજાના ચૂંટણી ગીતો સાંભળવાની પણ મજા આવશે. આ વખતની સીઝનની મહત્વની વાત એ છે કે આ વખતે રિલીઝ ડેટ દર્શકોએ તૈયાર કરી છે. સિરીઝની ટીમ દ્વારા દર્શકો પાસે રિલીઝ ડેટ માટેના મત માગવામાં આવ્યા હતાં, જેમાં 6.5 મિલિયન વોટ મળ્યા હતા. તેના કારણે આ સિરીઝની રિલીઝ ડેટ વહેલી કરી દેવામાં આવી છે. આ સીઝન વિશે નીના ગુપ્તાએ કહ્યું, મંજુ દેવીનાં પાત્રથી મને ઘણો સંતોષ થયો છે. કારણ કે તે આજે સૌથી વધુ લોકપ્રિય પાત્રોમાંનું એક બની ગયું છે.