IT રિટર્ન ભરવાની મુદ્તમાં 1 મહિનાનો વધારો કરાયો
છેલ્લા એક મહિનાથી આઇટીનું સર્વર અનેકવાર ઠપ થઈ જતાં કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલ કરી શકયા ન હતા. 31 જુલાઇ રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ હોવાથી કરવેરા સલાહકારો અને કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જેના કારણે સીબીડીટીએ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં એક મહિનાનો વધારો કર્યો છે, હવે 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે. આઇટીનું રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે પણ છેલ્લી ઘડીએ આઇટી પોર્ટલનું સર્વર ડાઉન થઇ જતાં કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. જેના કારણે લાખો કરદાતાઓને તકલીફ ભોગવવી પડી છે. દેશભરમાંથી લાખો લોકો એકસાથે રિટર્ન ભરતા હોવાથી સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાય છે. વર્ષમાં પાંચથી છ વખત આ પ્રકારની સમસ્યા સર્જાય છે.
દર વર્ષની જેમ પગારદારોને જૂન મહિનામાં ફોર્મ 16 મળી જાય તેને ધ્યાનમાં રાખીને રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા એક મહિનાનો સમય મળે છે. ગત બજેટમાં પગારદાર કે મધ્યમ વર્ગના કરદાતાઓને ટેકસ ભરવામાં મુક્તિ આપવામાં આવી છે જેનો લાભ કરદાતાઓને મળશે. સર્વર ડાઉન રહેવાના કારણે સરકારી આવક પર પણ અસર પડી રહી છે. 31 જુલાઇની મુદત ઓગસ્ટ કરવા માટે જુદા જુદા એસોસિએને કેન્દ્રમાં સીબીડીટીને રજૂઆત કરી હતી.