બાબાના પગે પડવા ભીડ બેકાબૂ બની અને ટપોટપ 122 લાશો ઢળી
હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં મોતનું તાંડવ, આયોજકો સામે ગુનો નોંધાયો, બાબાનું નામ ગાયબ
150 વિઘાના પંડાલમાં ચરણ સ્પર્શની મંજૂરી અપાતા ગરમી-બફારાથી લોકો ઢળી પડ્યા અને ભીડ માથે ફરી વળી
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં વિશ્ર્વ હરિભોલે બાબાના સત્સંગના કાર્યક્રમ બાદ બાબાના દર્શન માટે બેકાબુ બનેલી ભીડમાં નાસભાગના કારણે અત્યાર સુધીમાં 122 લોકોના મૃત્યુ થયાનું અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે. મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે. પોલીસે આયોજકો મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર સહિતનાઓ સામે ભારતીય ન્યાય સહિતાની નવી કલમો 105, 110, 126 (2), 123 અને 138 હેઠળ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ યુપીના જીટી રોડ પર 150 વીઘા વિસ્તારમાં બનેલા વિશાળ પંડાલમાં સાકાર વિશ્વ હરિ ભોલે બાબાનો સત્સંગ મંગળવારે અમંગળ સાબિત થયો. સત્સંગ પછી, ભોલે બાબાના ચરણ સ્પર્શ માટે મંજુરી આપવામાં આવતાં લોકો બેકાબુ બન્યા હતાં પરિણામે બાબાના કાફલાને જવા દેવા માટે ભક્તોને રોકવામાં આવ્યા હતા, પરંતુ આયોજકો ભીડને નિયંત્રિત કરી શક્યા ન હતા. બાબાનો કાફલો હાઈવે પર પહોંચતા જ બેકાબૂ ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. પરિણામે હાઈવેની બીજી બાજુના ખેતરોમાં એકબીજા પર પડેલા શ્રદ્ધાળુઓમાંથી 122 મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. અસહ્ય ગરમી અને બફારાના કારણે લોકો ઢળી પડ્યા બાદ ભીડ તેની ઉપર ફરી વળી હતી.
મૂળ રુપે કાસગંજના પટિયાલીના રહેવાસી સાકાર વિશ્વ હરિ ભોલે બાબા દ્વારા મહિનાના પ્રથમ મંગળવારે યોજાનારી માનવ મંગલ મિલન સદભાવના સમાગમ સીકંદરારાઉની સમિતિને સોંપવામાં આવી હતી. 150 વીઘા જમીનમાં છેલ્લા 15 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. આ માટે રાજ્યના અનેક જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાંથી શ્રદ્ધાળુઓ બે દિવસ અગાઉથી આવવા લાગ્યા હતા.
સત્સંગ બાદ બપોરે 1.30 કલાકે બાબાનો કાફલો સ્થળ પરથી મૈનપુરી જવા રવાના થયો હતો. આ માટે સ્ટેજની બાજુમાંથી હાઈવે સુધીનો રોડ બનાવવામાં આવ્યો હતો. આયોજકોએ પ્રવેશદ્વાર પાસે ભીડને રોકી હતી. અગાઉ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે હાઈવેની બીજી તરફ ઉભા રહી ગયા હતા. બાબાનો કાફલો હાઇવે પરના પ્રવેશદ્વાર પર પહોંચતાની સાથે જ દર્શન કરવા માટે ભીડ ઉમટી પડી હતી. આ પછી સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી.
આ અકસ્માતની નોંધ લેતા મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘાયલોને તેમની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં ઘટનાના કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીની સૂચના બાદ સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ અને ડીજીપી સાથે મુખ્ય સચિવ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવારે ઘટના સ્થળે પહોંચ્યા છે. હાથરસના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પોલીસ પ્રશાસને સામાન્ય લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 9259189726 અને 9084382490 જાહેર કર્યા છે. હાથરસના જિલ્લા પ્રશાસને સામાન્ય લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 05722227041 અને 05722227042 જારી કર્યા છે.
હાથરસમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. વડાપ્રધાન મોદી અને સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
અકસ્માત બાદ મૃતદેહો અને ઘાયલોને ટ્રક અને અન્ય વાહનોમાં ભરીને સિકંદરરાઉ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઘણા મૃતદેહોને આરોગ્ય કેન્દ્રની બહાર રાખવા પડ્યા હતા. પીડિતોના પરિવારજનોની ચીસો કાળજું કંપાવનારી હતી.
યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં મોટી જાનહાની બાદ ઢગલાબંધ લાશો જોઈને આઘાતથી એક પોલીસ કોન્સ્ટેબનું હૃદય બેસી ગયું હતું અને તેઓ પણ મોતને ભેટ્યાં હતા. ક્વિક રિસ્પોન્સ ટીમ (ચછઝ)ના કોન્સ્ટેબલ રવિ યાદવની લાશોની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયેલું હતું પરંતુ આટલી મોટી સંખ્યામાં લાશો જોઈને તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું પણ તત્કાળ મરણ થયું. ઈન્સપેક્ટર જગદીશ ચંદ્ર મૌર્યએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ રવિ યાદવની ફરજ હાથરસ અકસ્માતમાં મૃતકોના મૃતદેહોની વ્યવસ્થા કરવાની હતી.
ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું હતું કે નાસભાગમાં મૃત્યુ પામેલા 122 લોકોમાંથી મોટાભાગના લોકોની ઓળખ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓ તેમજ પડોશી રાજ્યોમાંથી ભક્તો સત્સંગમાં આવ્યા હતા. મૃતકોમાં સાત બાળકો અને 100થી વધુ મહિલાઓ છે.
કોણ છે ભોલે બાબા?
નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પોલીસની નોકરી કર્યાં બાદ સ્વૈચ્છિક નિવૃતી લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો તેઓ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે. ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.
બાતમીદારોએ અકસ્માત થવાની ચેતવણી આપી હતી
ઉત્તર પ્રદેશના હાથરસમાં આયોજિત સત્સંગને લઈને પોલીસના ગુપ્તચર વિભાગે અગાઉથી જ કોઈ અકસ્માતની ચેતવણી આપી હતી. હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલા અકસ્માત અંગે પોલીસ ગુપ્તચર તંત્રએ અગાઉથી જ ચેતવણી આપી હતી. NIU દ્વારા તેના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 1.25 લાખથી વધુની ભીડ એકઠી થઈ હતી. રિપોર્ટમાં ભીડને કારણે અકસ્માત થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં અધિકારીઓએ તેના પર ધ્યાન આપ્યું ન હતું.