કેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યો
અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂૂપિયાનું આંધણ કર્યું હોવાની વાતને ભાજપે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવીને કેજરીવાલની વાટ લગાડી દીધેલી ને દિલ્હીમાં સત્તા કબજે કરી હતી. કેજરીવાલ સામે સીબીઆઈ તપાસ પણ કરાવી હતી ને કેજરીવાલને ઘરભેગા કરી દીધેલા. હવે દિલ્હીમાં કેજરીવાલની સરકાર નથી ને ભાજપનાં રેખા ગુપ્તા મુખ્યપ્રધાન છે ત્યારે રેખા ગુપ્તાના પોતાના સત્તાવાર નિવાસસ્થાન પાછળ લાખોના આંધણનો વિવાદ ચગ્યો છે.
દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે રેખા ગુપ્તાને રાજ નિવાસ માર્ગ ખાતે બંગલો નંબર 1 ફાળવાયો છે અને નવા સરકારી બંગલામાં સમારકામ અને સજાવટનું કામ ચોમાસા પછી શરૂૂ કરવાનું નક્કી કરાયું છે. આ બંગલાના સમારકામ અને સજાવટ પાછળ થનારા ખર્ચની જે વિગતો બહાર આવી છે એ પ્રમાણે બંગાલાના રિનોવેશનના પ્રથમ તબક્કાનું કુલ બજેટ 60 લાખ રૂૂપિયા છે. આ તો પાછી પાશેરામાં પહેલી પૂણી છે કેમ કે આ ખર્ચ તો પહેલા તબક્કાના રીનોવેશન પાછળ થવાનો છે. આ ખર્ચ પણ એક બંગલા પાછળ છે પણ સીએમ મેડમ માટે તેની બિલકુલ બાજુનો એટલે કે બંગલા નંબર 2 પણ રીનોવેટ કરવાનો છે. બંગલા નંબર 1 અને 2ને જોડવા માટે એક રસ્તો પણ બનાવવામાં આવશે અને તેની પાછળ થનારા ખર્ચની હજુ જાહેરાત કરાઈ નથી.
રેખા ગુપ્તા દ્વારા બંગલાના સમારકામ પાછળ થનારું લાખોનું આંધણ એ વાતનો પુરાવો છે કે, કાગડા બધે કાળા છે ને નેતાઓ મોટા ભાગે ભ્રષ્ટાચારી છે. એ લોકોની માનસિકતા પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી હોય છે. રેખા ગુપ્તા અત્યારે એ જ માનસિકતા પ્રગટ કરી રહ્યાં છે. આ જ રેખા ગુપ્તા અને ભાજપના નેતાઓએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલના બંગલાનો એક વીડિયો જાહેર કર્યો હતો. ભાજપે આક્ષેપ મૂકેલો કે, આઠ એકર એટલે કે લગભગ 40 હજાર ચોરસ વારમાં બનેલા બંગલાના રિનોવેશન પાછળ 45 કરોડ રૂૂપિયાથી વધુનો ધુમાડો કરવામાં આવ્યો છે અને બાંધકામમાં પણ ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યા હતા. કેજરીવાલ 2015 થી 2024 સુધી આ બંગલામાં રહ્યા હતા.
ભાજપે કટાક્ષમાં આ નિવાસસ્થાનને શીશ-મહલ ગણાવ્યો હતો. ભાજપ ભક્તોને 60 લાખ રૂૂપિયા મોટી રકમ નહીં લાગતી હોય ને તેમની દલીલને સાચી માનીએ તો પણ મુદ્દો એ જ છે કે, કેજરીવાલ અને રેખા ગુપ્તામાં ફરક શું ? કેજરીવાલે રીનોવેશન પાછળ કરોડો ખર્ચ્યા એ ભ્રષ્ટાચાર કહેવાય જ પણ રેખા ગુપ્તા લાખો ખર્ચે તેથી ભ્રષ્ટાચાર ના કહેવાય ?