લગ્નનો કોન્સેપ્ટ હવે આઉટડેટેડ, જિંદગીનો આનંદ માણવો જોઇએ: જયા બચ્ચન
જયા બચ્ચન દરેક મુદ્દે ખુલીને પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતા છે. હાલમાં તેમણે લગ્ન વિશેના પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે તેમના મતે લગ્નનો કોન્સેપ્ટ હવે આઉટડેટેડ થઈ ચૂક્યો છે. જયા બચ્ચને એ પણ કહ્યું કે તેઓ નહીં ઇચ્છે કે તેમની પૌત્રી નવ્યા નવેલી લગ્ન કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જિંદગીનો આનંદ માણવો જોઈએ.
મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને સ્વીકાર્યું કે લોકોને તેમની આ વાત વાંધાજનક લાગી શકે છે, પરંતુ તેમના મતે એકબીજાની સાથે શારીરિક આકર્ષણ અને તાલમેલ બેસાડવો પણ જરૂૂરી છે.
જ્યારે જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે શું અમિતાભ બચ્ચનનો પણ લગ્ન વિશે આવો જ વિચાર છે, ત્યારે અભિનેત્રીએ વી ધ વીમેન સાથેની વાતચીતમાં જવાબ આપ્યો કે તેમણે અમિતાભને પૂછ્યું નથી. જો કે, તેમણે અનુમાન લગાવ્યું કે તેઓ કદાચ કહેશે કે હું તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ છુ. પરંતુ હું તે સાંભળવા માંગતી નથી.
જયા બચ્ચને સ્વીકાર્યું કે આજે લગ્ન વિશેના તેમના વિચારો ભલે ખૂબ જ અલગ હોય, પરંતુ તેમને અમિતાભ બચ્ચનથી પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે તે છેલ્લા 52 વર્ષથી લગ્નના સંબંધમાં છે અને તેનાથી વધુ પ્રેમ કરી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે જો તે કહેશે કે લગ્ન ન કરો તો તે આઉટડેટેડ લાગશે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની મુલાકાત ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ગુડ્ડી ના સેટ પર થઈ હતી. ત્યારબાદ બંનેને ફિલ્મ એક નજર ના શૂટિંગ દરમિયાન પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.