ચેન્નાઈની કંપનીએ મર્સિડિઝ સહિત 28 કાર અને 29 બાઈક બોનસમાં આપ્યા
કર્મચારીઓને લગ્ન માટે રૂા.1 લાખની સહાય
ગુજરાતના હીરાના વેપારી સવજી ધોળકિયા દિવાળી પર કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે જાણીતા છે. હવે ચેન્નાઈની એક કંપનીના માલિકે પણ કંઈક આવું જ કર્યું છે. તેણે પોતાના કર્મચારીઓને 28 કાર અને 29 બાઇક ગિફ્ટ કરી છે. કારમાં હ્યુન્ડાઈ, ટાટા, મારુતિ સુઝુકી અને મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ થાય છે. કર્મચારીઓને લગ્ન માટે 1 લાખ રૂૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. પહેલા આ રકમ 50 હજાર રૂૂપિયા હતી.
આ વર્ષે તેમાં વધારો કરવામાં આવ્યો હતો. ટીમ ડિટેલિંગ સોલ્યુશન્સ નામની કંપની સ્ટ્રક્ચરલ સ્ટીલ ડિઝાઈન અને ડિટેલિંગ સર્વિસ સંબંધિત બિઝનેસ કરે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર કર્મચારીઓની મહેનત અને સમર્પણના માનમાં મોંઘી ભેટ આપવામાં આવી હતી. કંપનીમાં લગભગ 180 કર્મચારીઓ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીધર કન્નને જણાવ્યું હતું કે, અમે કંપનીની સફળતામાં તેમના (કર્મચારીઓના) અથાક પ્રયત્નોની પ્રશંસા કરવા માગીએ છીએ. કર્મચારીઓ આપણી સૌથી મોટી સંપત્તિ છે.
કર્મચારીઓના યોગદાનને તેમની કામગીરી અને તેઓએ કંપનીમાં કેટલા વર્ષો કામ કર્યું છે તેના આધારે માપવામાં આવ્યું હતું. અમારા કર્મચારીઓએ અસાધારણ પ્રતિબદ્ધતા અને સમર્પણ દર્શાવ્યું હતું, કંપનીએ જણાવ્યું હતું. અમને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.
કંપની એવા કર્મચારીઓને પસંદ કરે છે જેઓ ભેટો દ્વારા ખૂબ પ્રેરિત હોય. આ કર્મચારીઓ માટે કાર કે બાઇક ખરીદવી એ સ્વપ્ન સમાન છે. ભૂતકાળમાં પણ કર્મચારીઓને બાઇક ભેટમાં આપવામાં આવી છે. 2022માં બે વરિષ્ઠ કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવી હતી.