બિહારની પેટા ચૂંટણી પી.કે.ની પ્રથમ કસોટી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે દેશભરમાં જે 48 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થવાની છે તેમાં બિહારમાં પણ ચાર બેઠકોની પેટાચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ બેઠકો પર 13 નવેમ્બરે મતદાન થવાનું છે. બિહાર વિધાનસભાની આ ચાર બેઠકો ભાજપ-જેડીયુ અને કોંગ્રેસ-આરજેડી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ત્યારે રાજકીય વિશ્ર્લેષક પ્રશાંત કિશોર પણ મેદાનમાં આવતાં જંગ રસપ્રદ બની ગયો છે. પ્રશાંત કિશોર રાજકીય નિવેદનબાજી કર્યા કરે છે અને બધા પર પ્રહાર કર્યા કરે છે ત્યારે બિહારની જનતા તેમને સ્વીકારે છે કે નહીં તેની પહેલી કસોટી આ પેટાચૂંટણીમાં થવાની છે કેમ કે પ્રશાંત કિશોરે રાજકીય પક્ષ જન સુરાજ પાર્ટી બનાવ્યા પછી પોતાના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
પ્રશાંત કિશોરે તરારી વિધાનસભા મતવિસ્તારમાંથી નિવૃત્ત આર્મી ઓફિસર લેફ્ટનન્ટ જનરલ શ્રી કૃષ્ણ સિંહને જન સુરાજ પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. એક ઉમેદવાર તરીકે લેફ્ટનન્ટ જનરલ શ્રી કૃષ્ણ સિંહમા કશું કહેવાપણું નથી કેમ કે કૃષ્ણ સિંહને અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પી.કે.બિહારના જ નહીં પણ દેશના રાજકારણમાં પણ હાઈ પ્રોફાઈલ નામ છે. નરેન્દ્ર મોદીથી માંડીને મમતા બેનરજી સુધીના ધુરંધરોની ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરી ચૂકેલા પ્રશાંત કિશોર પોતાની પાર્ટી માટે કેવી વ્યૂહરચના તૈયાર કરે છે તેના પર સૌની નજર છે. આ પાર્ટીની ઓળખ પી.કે.ની પાર્ટી તરીકેની છે તેથી તેની સફળતા કે નિષ્ફળતા પ્રશાંત કિશોરની જ નિષ્ફળતા કહેવાય. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ રાજ્યમાં પદયાત્રા કરી ચૂક્યા છે. તેમની પદયાત્રા 17 જિલ્લામાંથી પસાર થઈ હતી અને બે વર્ષમાં તેમણે લગભગ પાંચ હજાર કિલોમીટર ચાલીને 5500થી વધુ ગામડાંની મુલાકાત લીધી હતી.
આ વ્યૂહરચના કેટલી અસરકારક નિવડે છે તેની પણ કસોટી થશે. પ્રશાંત કિશોર સફળ થશે તો બિહારનું રાજકારણ બદલાઈ જશે કેમ કે બિહારનું રાજકારણ છેલ્લાં બે દાયકાથી નીતીશ કુમાર કેન્દ્રિત રહ્યું છે. નીતીશે બિહારમાં જ્ઞાતિવાદનાં એવાં સમીકરણ ગોઠવ્યાં છે કે, તેમને કોઈ પછાડી શકતું નથી. ભાજપ અને આરજેડી બંને મથ્યા કરે છે પણ નીતિશને હટાવી શકતા નથી ને પોતાનો મુખ્યમંત્રી બેસાડી શકતા નથી. પ્રશાંત કિશોર માટે સૌથી મોટો પડકાર બિહારનું જ્ઞાતિવાદી રાજકારણ છે. બિહારનું આખું રાજકારણ જ્ઞાતિવાદના ગંદવાડ પર જ ચાલે છે ને હંમેશાં બિહારની ચૂંટણી જ્ઞાતિવાદનાં સમીકરણો પર લડાય છે.
એક જમાનામાં બિહારના રાજકારણમાં બ્રાહ્મણો અને ઠાકુરોની બોલબાલા હતી પણ વિશ્ર્વનાથ પ્રતાપસિંહે મંડળનું રાજકારણ ચલાવ્યું ને સામે ભાજપે કમંડળ બહાર કાઢ્યું પછી બિહારનું રાજકારણ દલિત, મુસ્લિમ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) પર કેન્દ્રિત થઈ ગયું છે. બિહારમાં સૌથી મોટી મતબેંક ઓબીસીની છે. બિહારમાં દલિતોની વસતિ 16 ટકા છે. નીતીશ કુમારે ચાલાકી બતાવીને દલિતોમાં પણ મહાદલિતનો ફાંટો પડાવી દીધો છે. નીતીશે બિહારની 23 દલિત જ્ઞાતિઓમાંથી 21 જ્ઞાતિને મહાદલિત જાહેર કરાવી દીધી છે. નીતીશના આ દાવ પછી પાસવાન અને દુસાધ બે જ જ્ઞાતિ દલિતમાં રહી ગઈ છે. તેમની વસતિ 6 ટકાની આસપાસ છે. મહાદલિતમાં મુશહર, ભૂઈયાન, ડોમ, ચમાર, ધોબી અને નટ જ્ઞાતિઓ મુખ્ય છે.
નીતીશે એસસી-એસટી અને ઓબીસીને પોતાની તરફ વાળવા માટે સરકાર દ્વારા અપાતા 15 લાખ રૂૂપિયા સુધીના કોન્ટ્રાક્ટમાં પણ અનામત દાખલ કરીને પચાસ ટકા કોન્ટ્રાક્ટ એસસી, એસટી, ઈબીસી અને ઓબીસીને આપવા એવું ફરમાન બહાર પાડ્યું હતું. તેના કારણે આ જ્ઞાતિઓ નીતીશ તરફ ઢળેલી છે. બિહારમાં મુસ્લિમોની વસતિ 17 ટકાની આસપાસ છે. આ મતબેંક નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે વહેંચાઈ જાય છે. પી.કે. ભાજપની બી ટીમ કહેવાય છે એ જોતાં આ જ્ઞાતિવાદનાં સમીકરણોમાં એ કેટલું કાઠું કાઢશે એ સવાલ છે.