સાધારણ કે ગંભીર બીમારીમાં ગૌમૂત્ર અને ઘરેલું નુસખાના ફાયદા વિજ્ઞાનસિધ્ધ હોવા જોઇએ
આપણે ત્યાં માણસના જીવની કોઈ કિંમત નથી એટલે ગમે તે માણસ આરોગ્યને લગતી સલાહો આપવા ઊભો થઈ જાય છે. જેને મેડિકલ સાયન્સ સાથે કંઈ લેવાદેવા નથી એવા લોકો પણ આવી સલાહો આપે છે. તાજેતરમાં આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટીએ ગૌમૂત્ર પીવાથી તાવ મટી જાય છે એવો દાવો કર્યો એ તેનો તાજો પુરાવો છે. કોમકોટિ સાહેબના કહેવા પ્રમાણે, એક સંન્યાસીને તાવ આવ્યો હતો. લોકોએ ડોક્ટરને બોલાવવા કહ્યું પણ સંન્યાસીએ કહ્યું કે, પોતે ગોમૂત્ર પીશે
. લોકો ગૌશાળામાં ગયા અને ગૌમૂત્ર લઈ આવ્યા. ગૌમૂત્ર પીધાના 15 મિનિટમાં તો તાવ ઉતરી ગયો. કોમકોટિનો આ વીડિયો વાયરલ થયો પછી તેમના માથે માછલાં ધોવાયાં એટલે તેમણે પાછો એવો દાવો કર્યો કે, ગૌમૂત્રના સેવનથી થતા ફાયદાની વાત તો યુએનએ પણ સ્વીકારી છે અને એ અંગેના અભ્યાસનો રિપોર્ટ પબ્લિશ પણ થયો છે. ક્યાં પબ્લિશ થયો એ તેમણે ના કહ્યું કે કોઈ પુરાવા પણ રજૂ ના કર્યા. ભારતમાં આ પ્રકારના દાવા નવા નથી. કોરોના કાળ વખતે ગાયના મૂત્રથી કોરોના મટી જાય છે એવા દાવા કરનારા પણ હતા પણ કોઈ વ્યક્તિ ગાયનું મૂત્ર પીને સાજો થઈ ગયો હોય એવું હજુ લગી તો સાંભળ્યું નથી.
ભૂતકાળમાં તો ગીર ગાયના મૂત્રથી કેન્સર મટી શકે છે એવા દાવા પણ થયેલા છે. સાંભળીને આંચકો લાગશે પણ આ વાત સાચી છે. 2018માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા દાવો કરાયો હતો કે ગૌમૂત્રથી કેન્સરના કોષોને મારવામાં તેમને સફળતા મળી છે. આ વાતને છ વર્ષ થઈ ગયાં પણ ગૌમૂત્રથી કેન્સર મટાડતી કોઈ દવા બજારમાં આવી નથી ને કેન્સરના કોઈ દર્દી કિમોથેરાપી કે બીજી એલોપથિક સારવારના બદલે ગૌમૂત્રથી સારવાર કરાવતાં હોય એવું સાંભળ્યું પણ નથી. એક મજાની વાત પાછી એ છે કે, ગૌમૂત્રના કહેવાતા ફાયદા સામે ઈન્ડિયન વેટરનરી રીસર્ચ કાઉન્સિલ (આઇવીઆરઆઇ)ના સંશોધનમાં તો ગૌમૂત્રથી બિલકુલ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ સંસ્થાના કહેવા પ્રમાણે તો ગાયનો નહિ પણ ભેંસનો પેશાબ વધુ અસરકારક છે. આ સંસ્થાના પીએચડી વિદ્યાર્થીઓએ કરેલા પ્રયોગોનું તારણ એ છે કે, ગાય અને બળદના પેશાબમાં 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે કે જે પેટમાં ચેપનું કારણ બની શકે છે તેથી તેને પીવાનું ટાળો. હકીકત એ છે કે, જે લોકો શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના હવાલા આપીને દાવા કરે છે તેમણે પણ કદી એ બધું વાંચેલું નથી હોતું. આ કારણે જ એ લોકો શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના હવાલા આપે છે પણ ક્યાં લખાયેલું છે તેના પુરાવા નથી મૂકતા તેથી મોટા ભાગે તો શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના નામે ગપ્પાષ્ટક જ ચાલે છે. આ સંજોગોમાં વિજ્ઞાન-તબીબી ક્ષેત્રે ઉંડા સાંગોપાંગ અભ્યાસની જરૂરી છે. જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે.