ઓપરેશન સિંદૂર મામલે અવળી હકીકતો રજૂ કરતો અમેરિકી રિપોર્ટ સાવ હાસ્યાસ્પદ છે
અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના એક રિપોર્ટના કારણે ઓપરેશન સિંદૂરનો મુદ્દો ફરી ચર્ચામાં છે. યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન યુએસસીસીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મે 2025માં પહલગામ હુમલા પછી ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો હતો અને ભારત સામેના ચાર દિવસના યુદ્ધમાં પાકિસ્તાનને મોટી લશ્કરી સફળતા મળી હતી. ભારત સરકાર ઓપરેશન સિંદૂરમાં ભારતને મોટી જીત મળી હતી એવા દાવા કરે છે તેનાથી બિલકુલ વિપરિત દાવો આ રિપોર્ટમાં કરાયો છે. બલકે ભારત જીત્યું હતું એવા દાવાનો છેદ જ ઉડાવી દેવાયો છે તેથી ભારતીયો માટે આ રિપોર્ટ આઘાતજનક છે.
બીજી આઘાતજનક વાત એ છે કે, આ રીપોર્ટમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ આતંકવાદી હુમલા તરીકે નથી કરાયો પણ બળવાખોર હુમલા (ઈનસર્જન્ટ એટેક) તરીકે કરાયો છે. ભારતે પહલગામમાં પાકિસ્તાની પીઠ્ઠ આતંકવાદી સંગઠનો દ્વારા હુમલો કરાયેલો એવું છડેચોક કહીને પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરેલી પણ અમેરિકન રીપોર્ટ તો પહલગામ હુમલાને આતંકવાદી હુમલો માનવા જ તૈયાર નથી તેનાથી વધારે આઘાતજનક બીજું શું કહેવાય ? ભારત સરકારે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતનાં કોઈ ફાઈટર જેટ તૂટ્યાં નહીં હોવાનો દાવો કરેલો પણ આ રિપોર્ટ પ્રમાણે, ભારતનાં ઓછામાં ઓછાં 3 ફાઈટર જેટ આ હુમલામાં સાફ થઈ ગયાં હતાં. આ રિપોર્ટ પ્રમાણે. આ રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે, પાકિસ્તાને ભારતનાં રાફેલ ફાઈટર જેટ તોડી પાડયાં હોવાનું જૂઠાણું ચીને ફેલાવ્યું હતું કેમ કે પાકિસ્તાને ચીનનાં મિસાઈલ અને શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન પાસે ચીનનાં જે-10 અને જે-35 ફાઇટર જેટ ઉપરાંત ચીનની એચકયુ-9 એર ડીફેન્સ સિસ્ટમ, ડક-15 મિસાઇલો સહિતનાં શસ્ત્રો છે.
આ શસ્ત્રો દુનિયામાં શ્રેષ્ઠ છે અને ફ્રાન્સ સહિતના અમેરિકાના સાથી દેશોનાં ફાઇટર જેટનો તેની સામે કોઈ ક્લાસ નથી એવું સાબિત કરવા માટે ચીન એવાં પડીકાં ફરતાં કરી રહ્યું છે કે, પાકિસ્તાને ભારતનાં રાફેલ ફાઈટર જેટને ઉડાવી દીધાં. અમેરિકાના કમિશનનો રિપોર્ટ ભારત સરકારને જૂઠ્ઠી સાબિત કરે છે. ભારત સરકારે ઓપરેશન સિંદૂરમાં જીતનો ખોટો દાવો કરેલો એવું સાફ શબ્દોમાં કહે છે એ જોતાં આ રિપોર્ટ અંગે માત્ર ચોખવટ જ નહીં પણ આકરી પ્રતિક્રિયા પણ જરૂૂરી છે. અમેરિકાનો રિપોર્ટ કહે છે એ પ્રમાણે ભારતનાં 3 ફાઈટર જેટ તૂટ્યાં હતાં કે નહીં એ ચોખવટ પણ થવી જોઈએ કેમ કે ભારતની પ્રજાને એ જાણવાનો અધિકાર છે. આ રિપોર્ટ સામે ચીને તરત રીએક્શન આપીને રિપોર્ટને જ મોટું જૂઠાણું ગણાવ્યું છે ત્યારે ભારત સરકારની ચૂપકીદી ખટકે છે.