મહારાષ્ટ્રમાં રમી રમતા ઝડપાયેલ કૃષિમંત્રીનું ખાતુ છીનવાઇ ગયું!
વિધાનસભા સત્ર દરમિયાન ઓનલાઈન રમી રમતા દેખાતા વાયરલ થયેલા એક વીડિયોના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે માણિકરાવ કોકાટેને કૃષિ મંત્રાલયમાંથી રમતગમત અને યુવા કલ્યાણ મંત્રાલયમાં ખસેડ્યા છે. દત્તાત્રય ભરણે હવે નવા કૃષિ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે.
એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોકાટે કથિત રીતે ઓનલાઈન રમી રમતા દર્શાવતો એક વીડિયો ક્લિપ શેર કર્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો. આ ક્લિપથી રાજકીય પ્રતિક્રિયાઓ શરૂૂ થઈ, જ્યારે મહારાષ્ટ્ર ગંભીર કૃષિ સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે વિપક્ષી નેતાઓએ કોકાટેની અસંવેદનશીલતાની ટીકા કરી.
રાજ્યમાં અસંખ્ય કૃષિ મુદ્દાઓ પેન્ડિંગ હોવા છતાં અને દરરોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવા છતાં, સત્તામાં બેઠેલા રાષ્ટ્રવાદી જૂથ ભાજપ સાથે સલાહ લીધા વિના કંઈ કરી શકતા નથી, તેથી કૃષિ પ્રધાન પાસે બીજું કંઈ કરવાનું નથી, અને તેમની પાસે રમી રમવાનો સમય હોય તેવું લાગે છે, એમ ધારાસભ્ય રોહિત પવારે એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
કોકાટેએ આરોપોને નકારી કાઢ્યા હતા, દાવો કર્યો હતો કે, તે ફક્ત 10-15 સેક્ધડ માટે હતું, અને કહ્યું હતું કે તેઓ ફક્ત પોપ-અપ બંધ કરી રહ્યા હતા, રમત રમી રહ્યા ન હતા. તેમણે તેમના પર આરોપ લગાવનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી હતી. જોકે, કાયદાકીય તપાસમાં જાણવા મળ્યું છે કે કોકાટે 18 થી 22 મિનિટ સુધી રમતમાં વ્યસ્ત રહ્યા હતા.