વર્શિપ એક્ટની નાબૂદીથી હિંદુ ધર્મસ્થાનોનો વિવાદ ઉકેલી શકાશે
ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર તો હિંદુત્વના નામે રીતસરનાં તૂત જ ચાલે છે. ભારત લોકશાહી દેશ છે તેથી દરેક વ્યક્તિને કાયદાની મર્યાદામાં રહીને પોતાની રીતે વર્તવાનો અધિકાર છે. આ કારણે હિંદુવાદી સંગઠનો કે વ્યક્તિગત રીતે પણ કોઈ હિંદુત્વનો એજન્ડા ચલાવે તો તેની સામે બોલી ના શકાય. કાયદાની મર્યાદામાં રહીને કરાતું કોઈ પણ કૃત્ય માન્ય છે તેથી આ ટ્રેન્ડને રોકી ના શકાય પણ બીજો એક ખતરનાક ટ્રેન્ડ પણ શરૂૂ થયો છે. આ ટ્રેન્ડ અદાલતો દ્વારા હિંદુત્વના વહેણમાં વહીને બંધારણીય જોગવાઈઓને કોરાણે મૂકીને અપાતા ચુકાદા છે.
અલ્હાબાદ હાઈ કોર્ટે આવો જ એક ચુકાદો આપીને ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું છે. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991 હેઠળ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થાન જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ છે. તમામ ધર્મસ્થાનો માટેની આ જોગવાઈ પ્રમાણે, હિંદુવાદીઓ હિંદુ મંદિરો તોડીને બનાવાયેલી મસ્જિદો સહિતનાં હિંદુ ધર્મસ્થાનો પર દાવો ના કરી શકે. મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોય કે દરગાહ પણ 15 ઓગસ્ટ 1947ના રોજ ત્યાં મસ્જિદ કે દરગાહ ઊભી હોય તો પણ હિંદુઓ તેના પર દાવો ના કરી શકે. આ મસ્જિદ કે દરગાહ 14 ઓગસ્ટ, 1947ના રોજ બનાવાઈ હોય તો પણ તેના પર મુસ્લિમોનો અધિકાર થઇ ગયો, હિંદુઓ તેના પર દાવો ના કરી શકે. આ કાયદાનું અર્થઘટન સ્પષ્ટ છે કે, 15 ઓગસ્ટ 1947ના રોજ મસ્જિદ હતી એ મસ્જિદ રહે ને મંદિર હતું એ મંદિર રહે.
તેનો ઉલ્લેખ પણ એ રીતે જ કરાય એ કહેવાની જરૂૂર નથી પણ અલ્હાબાદ હાઈ કોર્ટ મસ્જિદ તરીકે જેનો ઉલ્લેખ કરાતો હતો તેને વિવાદાસ્પદ માળખું ગણાવે એ બંધારણીય જોગવાઈની ઐસી તૈસી કહેવાય. સંભલ સહિતનાં જે પણ હિંદુ ધર્મસ્થાનો મુસ્લિમ આક્રમણ વખતે તોડી પાડવામાં આવ્યાં તેના પર હિંદુઓ દાવો કરી જ શકે. એ તેમનો અધિકાર છે પણ એ અધિકાર વર્શિપ એક્ટના કારણે છીનવાય છે. અત્યારે તો ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી જ નથી એટલે વર્શિપ એક્ટ નાબૂદ કરવાની વાત પણ ના કરી શકાય પણ દસ વર્ષ લગી તેમની પાસે બહુમતી હતી ત્યારે પણ ભાજપે એવો પ્રયત્ન નથી કર્યો. હાઈ કોર્ટે આ વાત સ્પષ્ટ કરવી જોઈએ અને ધર્મસ્થાનોને લગતા જે પણ વિવાદો ઊભા કરાય તેમાં સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે, વર્શિપ એકટના કારણે અમારા હાથ બંધાયેલા છે એટલે સરકાર પાસે જાઓ અને સંસદ પાસે વર્શિપ એક્ટ નાબૂદ કરાવો. દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે પણ ભાજપ સરકારે વર્શિપ એક્ટ નાબૂદ કરવા કશું કર્યું નથી. સાધુ-સંતો વચ્ચે વચ્ચે ઉકળાટ બતાવે છે પણ પછી પાછા ઠંડા પડી જાય છે. હિંદુઓએ પોતાનાં ધર્મસ્થાનો પાછાં લેવાં હોય તો વર્શિપ એક્ટ નાબૂદ કરાવવા માટે દબાણ પેદા કરાવવું જોઈએ.