જમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકવાદી હુમલો: 2ના મોત, 3 ગુજરાતી સહીત અનેક ઘાયલ , ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં 2 લોકોના મોત થયાં છે. જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરના વિનુ પટેલ, માનિક પટેલ અને રિનો પાંડેય સામેલ છે. મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ અને ડૉ. પરમેશ્વર ઘાયલ થયા છે. આ સિવાય કર્ણાટકના અભિજવન રાવને પણ ઈજા પહોંચી છે. અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે હાઈલેવલની બેઠક બોલાવી છે. અમિત શાહ ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર પહોંચશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે, જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઘાયલોની સંખ્યા 12 છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાની માહિતી મળતાં જ સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તાર ખાલી કરાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
ઘણા વર્ષો પછી એવું જોવા મળ્યું છે કે આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધી આતંકવાદીઓ સુરક્ષા દળો અથવા તો બિન-કાશ્મીરી લોકોને પણ નિશાન બનાવતા હતા, પરંતુ આ વખતે તેમનું નિશાન નિર્દોષ પ્રવાસીઓ હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને ઘોડેસવારી કરતી વખતે નિશાન બનાવ્યા હતા.
માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસે અન્ય પ્રવાસીઓને પહેલગામ જવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને દરેક ખૂણે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે જેથી ત્યાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરી શકાય.
એક મહિલાએ સમાચાર એજન્સી પીટીઆઇને ફોન કરીને જણાવ્યું કે તેના પતિને માથામાં ગોળી વાગી છે. મહિલાએ પોતાની ઓળખ જાહેર કરી નથી.આ ઘટના અંગે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. તેમણે અમિત શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે.પીએમ સાથે વાત કર્યા પછી અમિત શાહે દિલ્હીમાં એક ઈમર્જન્સી બેઠક બોલાવી છે. તેમણે 6થી 8 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી.