સોશિયલ મીડિયામાં ભડાસ કાઢવાથી, પૂતળા બાળવાથી આતંકવાદનો મુકાબલો ન થઈ શકે
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારતની આતંકવાદ સામે લડવાની વ્યૂહરચના સામે એક તરફ સવાલ પેદા કરી દીધો છે ત્યારે બીજી તરફ હિંદુ સમાજ માટે પણ એક પડકાર ઊભો કરી દીધો છે. આતંકવાદને ધર્મ નથી હોતો એવી સુફિયાણી વાતો આપણે સાંભળીએ છીએ. આ વાત સાચી છે પણ હુમલા ધર્મ નથી કરતો પણ ધર્મ સાથે સંકળાયેલાં લોકો કરે છે ને આતંકવાદીઓને ધર્મ હોય છે. તેમના માનસમાં ઝેર પણ ધર્મના નામે ભરાય છે તેથી આતંકવાદી હુમલા ધર્મને આધારે જ થાય છે.
મોટા ભાગના આતંકવાદી હુમલા એક ચોક્કસ ધર્મનાં લોકો બીજાં ધર્મનાં લોકોને ટાર્ગેટ કરીને કરે છે એ ઈતિહાસ છે. પહલગામમાં આતંકવાદીઓ એક ડગલું આગળ વધ્યા અને લોકોનો ધર્મ પૂછી પૂછીને માર્યાં અને મરનારા બધા હિંદુ છે. આ હત્યાઓ ટ્રેન્ડ બની જાય એ પહેલાં હિંદુઓએ જાગવાની જરૂૂર છે અને આતંકવાદ સામે લડવા શું કરવું એ વિચારવાની જરૂૂર છે. એ માટે હિંદુઓએ ઈઝરાયલ પાસેથી બોધપાઠ લેવાની જરૂૂર છે અને ઈઝરાયલ મોડલ અપનાવવાની જરૂૂર છે કેમ કે ભારત અને ઈઝરાયલના સંજોગો સરખા છે.
ઈઝરાયલને સીધા યુદ્ધમાં હરાવવામાં આરબો સફળ ના થયા એટલે આતંકવાદનો આશરો લઈને પ્રોક્સી વોર લડે છે. ભારત સામે પણ પાકિસ્તાન સીધા યુદ્ધમાં ચાર વાર હાર્યું એટલે હવે સીધા આક્રમણની હિંમત નથી કરતું પણ આતંકવાદનો સહારો લઈને લડે છે. અલબત્ત ઈઝરાયલ સામેના જંગમાં આતંકવાદીઓ નુકસાનમાં છે જ્યારે ારતમાં આપણે નુકસાનમાં છીએ. તેનું કારણ ઈઝરાયલના શાસકો અને આપણા શાસકો તથા યહુદી પ્રજા અને હિંદુઓનો મિજાજ છે. હિન્દુઓમાં ધર્મમાં મિજાજ અત્યાર સુધી કદી દેખાયો નથી પણ આ સ્થિતિ બદલવી પડે.
સોશિયલ મીડિયા પર નહીં પણ મેદાનમાં મર્દાનગી બતાવવી પડે. આતંકવાદીઓ હુમલો કરે ત્યારે ભાગવાના બદલે યહૂદીઓની જેમ મુકાબલો કરવાની સજજતા કેળવવી પડે. આ માટે હિંદુ સંગઠનો અને ધર્મસ્થાનોએ મેદાનમાં આવવું પડે, સરકાર બધું ના કરે. કાશ્મીરમાં હિંદુઓને વસાવવાથી માંડીને આર્મી ટ્રેઈનિંગ સુધીનો ખર્ચ કરવો પડે. મંદિરોમાં આવતો રૂૂપિયો બેંકોની એફડીમાં જાય ને વ્યાજ ખવાય તેના બદલે હિંદુઓ માટે વપરાવો જોઈએ કેમ કે હિંદુઓ હશે તો હિંદુ ધર્મ ટકશે, બેંકોમાં કરેલી એફડીઓથી હિંદુત્વ ટકવાનું નથી.