તેલંગાણાના રંગારેડ્ડીમાં ભયાનક અકસ્માત: બસ- ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં 20 મુસાફરોના મોત
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આજે એક ગખ્વાર અકસ્માતની ઘટના બની છે. બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં 20 લોકોના મોત થયાં છે. આ ગોઝારા અકસ્માતમાં ડઝનબંધ મુસાફરો ઘાયલ થયાં છે. આ અકસ્માત ચેવેલા મંડલના ખાનપુર ગેટ પાસે સર્જાયો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક તેલંગાણા સ્ટેટ ગવર્નમેન્ટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TGSRTC) બસ અને ખોટી દિશામાંથી આવતા કાંકરી ભરેલાર ડમ્પર સાથે અથડાઈ હતી. બસ તંદુરથી હૈદરાબાદ જઈ રહી હતી. બસમાં 70થી વધુ મુસાફરો સવાર હતા.
ટક્કર એટલી ગંભીર હતી કે ટીપર ડમ્પર પરની કાંકરી બસની અંદર પડી ગયો હતો. અને ડમ્પર પર ભરેલી કપચી અંદરના મુસાફરો પર પડી. જેના કારણે ઘણા મુસાફરો નીચે ફસાઈ ગયા હતા. બસ સ્ટાફે આશરે 15 લોકોને બચાવ્યા. ટક્કર બાદ અફડાતફડી મચી ગઈ હતી અને ઘણા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ચેવેલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક અધિકારીઓને જરૂરી નિર્દેશો જારી કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કોઈપણ કિંમતે ઝડપી બનાવવી જોઈએ અને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવી જોઈએ.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેલંગાણાના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક હૈદરાબાદની હોસ્પિટલોમાં ખસેડવાનો સીધો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોને સારવારમાં કોઈ કમી ન રહે અને તેમને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવા પણ કહ્યું છે.
