રાજસ્થાનના બાડમેરમાં ભયંકર અકસ્માત; ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર થતાં કારમાં લાગી આગ, 4 મિત્રો જીવતાં ભડથું
રાજસ્થાનમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ત્યારે ગુરુવારે (૧૬ ઓક્ટોબર) બાડમેરમાંથી વધુ એક મોટા અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર સાથે અથડાયા બાદ સ્કોર્પિયો કારમાં આગ લાગવાથી ચાર મિત્રોના મોત થયાં છે જયરે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો.
ચાલતા વાહનમાં આગ લાગવાથી આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે. સિંધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના રાત્રે ૨:૩૦ વાગ્યે બની હતી. ટ્રેલર સાથે અથડાયા પછી સ્કોર્પિયો કારમાં તરત જ આગ લાગી ગઈ. આગ એટલી ભયંકર હતી કે કોઈને બચવાનો મોકો મળ્યો ન હતો.
ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનની હાલત ગંભીર છે. એવું જાણવા મળ્યું છે કે પાંચેય મિત્રો કોઈ કામે ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો.
મૃત્યુ પામેલા તમામ યુવાનો ૨૨ થી ૩૦ વર્ષની વચ્ચેના હતા. મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તેમાં મોહન સિંહ, શંભુ સિંહ, પંચારામ દેવાસી અને પ્રકાશનો સમાવેશ થાય છે. અકસ્માત પછી મેગા હાઇવે લાંબા સમય સુધી બંધ રહ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે સ્કોર્પિયો અને ટ્રેલરમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડના વાહનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માત પછી મેગા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. એક કલાક પછી, બંને વાહનોને બાજુ પર ખસેડવામાં આવ્યા હતા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.