તેલંગાણાઃ પેડ્ડાપલ્લીમાં માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ટ્રાફિક જામ થતા 36 ટ્રેનો રદ
તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં બુધવારે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. મળતી માહિતી મુજબ, માલગાડીના લગભગ 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. આ અકસ્માત પર દક્ષિણ મધ્ય રેલવે (SCR) અધિકારીઓએ જણાવ્યું કે 20 પેસેન્જર ટ્રેનો રદ કરવી પડી.
ગાઝિયાબાદથી કાઝીપેટ જતી આ માલગાડી લોખંડની કોઇલ લઇને જઇ રહી હતી. આ અકસ્માત પેડ્ડાપલ્લીના રાઘવપુરમ અને રામાગુંડમની વચ્ચે થયો હતો. આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો કલાકો સુધી અટવાઈ રહી હતી.જેના કારણે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન બંનેને અસર થઈ છે
ગુડ્સ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે સુપરફાસ્ટ એક્સપ્રેસ, પેસેન્જર અને અન્ય માલગાડીઓ પણ રેલવે ટ્રેક પર અટવાઈ ગઈ હતી. મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમારકામની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન બંનેને અસર થઈ રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ રેલવે પણ આના પર કામ કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય.