માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ!!!! કાફલામાં ટ્રક ઘુસી જતાં અકસ્માત, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચ્યા છે. એક બેકાબુ ટ્રકે તેજસ્વી યાદવના કાફલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 2 સુરક્ષા કર્મચારી અને 1 ડ્રાઇવર ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે આ ઘટના તેમનાથી માત્ર 5 ફૂટ દૂર બની હતી.
આ દુર્ઘટના અંગે તેજસ્વી યાદવે જણાવ્યું કે, 'હું સવારે 10 વાગ્યે મધેપુરામાં એક કાર્યક્રમમાં ગયો હતો અને પટના પરત ફરતી વખતે, અમે NH 22 હાજીપુર મુઝફ્ફરપુર મેઈન રોડ પર ગોરૌલમાં ચા પીવા માટે રોકાયા હતા. તે સમયે, એક ટ્રક બેકાબૂ થઈ ગઈ અને મારી સામે 2-3 વાહનોને ટક્કર મારી દીધી હતી. ત્યાં નજીકમાં જ સુરક્ષાકર્મીઓ ઉભા હતા. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, તેમનાથી 5 ફૂટના અંતરે જ હું ઉભો હતો. જો તે થોડી વધુ અનિયંત્રિત હોત તો ટ્રક મને પણ ટક્કર મારી દેત.
આ અકસ્માત હાજીપુર-મુઝફ્ફરપુર હાઇવે પર થયો હતો જ્યારે તેજસ્વી યાદવ મધેપુરાથી પટના આવી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં સરાઈ પોલીસ સ્ટેશન પોલીસ ટીમે આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.