કોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાન
બિહારના વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, વીઆઇપી વચ્ચે બેઠક સમજુતી: જેડીયુએ 57 ઉમેદવારો જાહેર કર્યા એમાં 4 બેઠકો પાસવાનના દાવાવાળી: કોંગ્રેસની બેઠકો પર ડાબેરી મોરચાએ ઉમેદવારો જાહેર કરતા મહાગઠબંધન વેરવિખેર
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનડીએના ભાગીદાર પક્ષો વચ્ચે સીટ- શેટિંગની મહાસમસ્યા ઉકેલાઇ ગઇ છે. ચિરાગ પાસવાનને વધુ સંખ્યામાં બેઠકો અપાઇ તેનાથી જેડીયુ નારાજ છે. આજે મુખ્યમંત્રી નિતિશના પક્ષે 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી તેમાં 4 બેઠકો એવી છે જેના પર ચિરાગ પાસવાન દાવો કરી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી મહાગઠબંધન હજુ સુધી બેઠક વહેંચણીનો કોયડો ઉકેલી શકયું નથી. આરજેડી નેતા તેજસ્વી યાદવે કોંગ્રેસની 70 જેટલી બેઠકોની માગ સ્વીકારવાના બદલે તેને બાજુએ મુકી દીધાનું જણાય છે કેમ કે આરજેડી અને વીઆઈપી વચ્ચે સીટ-શેરિંગને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે. મુકેશ સાહનીની પાર્ટી, વીઆઈપીને 18 બેઠકો આપવામાં આવી છે.
અહેવાલો સુચવે છે કે કોંગ્રેસ આખરે 60 બેઠક મળે તો માની જશે.હકીકતમાં, બિહાર મહાગઠબંધનમાં બેઠક વહેંચણી વ્યવસ્થા કામ કરી રહી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ 60 થી વધુ બેઠકોની માંગણી પર અડગ છે. જ્યારે આરજેડીએ કોંગ્રેસ માટે 58 બેઠકોની મર્યાદા નક્કી કરી છે. આરજેડીએ અત્યાર સુધીમાં કુલ 71 ઉમેદવારોને પ્રતીકો જારી કર્યા છે. સીપી આઈ (એમએલ) એ 18 બેઠકો પર ઉમેદવારોને પ્રતીકો આપ્યા છે. સીપીઆઈએ છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેઓ કરાર પર પહોંચ્યા પછી અન્ય ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો દાવો કરે છે. વાસ્તવમાં કોંગ્રેસે જીતેલી બેઠકો પર પણ ડાબેરી પક્ષોએ ઝુકાવતા તણાવ ઉગ્ર બન્યો છે.
એનડીએમાં કંઇ સારું નથી: કુશવાહા
ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણી ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂૂપ આપ્યા પછી તરત જ, રાષ્ટ્રીય લોક મોરચાના વડા અને રાજ્યસભાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહાએ બેઠક ફાળવણી પર નારાજગી વ્યક્ત કરી. ભાજપ દ્વારા તેના 101 બેઠકોના ક્વોટામાંથી 71 ઉમેદવારો જાહેર કર્યા પછી, કુશવાહ અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય મંગળવારે મોડી રાત્રે ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને તેમના ઘરે મળ્યા. બેઠક પછી આરએલએમના વડા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું, આ વખતે, એનડીએમાં કંઈ સારું નથી.
નીતિશકુમારને સીએમ જાહેર કરો: જેડીયુની નવી શરતથી વમળ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં સીટ વહેંચણીનો મુદ્દો ઉકેલાઇ ગયો એમ છતાં જનતા દળ યુનાઇટેડએ ગઠબંધન સમક્ષ એક નવી અને મહત્ત્વપૂર્ણ શરત મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU ની માંગ છે કે ભાજપ સહિત NDA ના તમામ પક્ષો દ્વારા માત્ર ભાજપ નહીં, પરંતુ નીતિશ કુમારને પણ સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદના સહિયારા ચહેરા તરીકે જાહેર કરવામાં આવે.
ચુંટણી નહીં લડવા પ્રશાંત કિશોરની જાહેરાત
જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે જાહેરાત કરી કે તેઓ બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના હિતમાં લેવામાં આવ્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું, ના, હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ નક્કી કર્યું છે કે જો હું પહેલાથી જ જે કામ કરી રહ્યો છું તે પૂર્ણ કરી લઉં તો તે પૂરતું હશે. જો હું ચૂંટણી લડીશ, તો તે થોડા દિવસો માટે નુકસાન થશે. હું હાલમાં જે કામ કરી રહ્યો છું તે ચાલુ રાખીશ. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે 150 થી ઓછી બેઠકો તેમના માટે હાર છે. તેમણે કહ્યું, 150 થી ઓછી બેઠકો, ભલે 120 કે 130, મારા માટે હાર હશે.