સમાજનું અભિન્ન અંગ શિક્ષક
શિક્ષક હોવું એ એક મસમોટી જવાબદારી છે. એક શિક્ષકના હાથમાં ભારતનું ભવિષ્ય હોય છે. આદર્શ શિક્ષક આ નાનકડા છોડને જે રીતે શિક્ષા આપશે એ રીતે આ નાનકડો છોડ મોટો થઈને વટવૃક્ષ બને છે. આથી આપણા જીવનમાં શિક્ષક બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક એ સમાજનો સાચો દીપક છે. જે અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ઉપરાંત ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે.
વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ લેવલે ઉજવાય છે. જયારે ભારતમા શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. જે આપણા મહાન શિક્ષક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે જ રાખ્યો છે. કારણ કે તેમની શિક્ષણ ક્ષેત્રમાં અપ્રતિમ સિદ્ધિઓ અને યોગદાન રહ્યું છે. તેમણે શિક્ષણને સમાજના વિકાસ માટેના મહાન સાધક તરીકે માન્યું હતું. તેથી જ સમાજનું અભિન્ન અંગ શિક્ષક છે. શિક્ષક દિન ભારત દેશની દરેક સ્કૂલો કે કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
જેમ નદી પર કોઈ પુલ તૂટે તો જાનહાનિ જૂજ પ્રમાણમાં જ થતી હોય છે. જેમ કોઈ ડોક્ટર બેઈમાની કરીને કે ચોરી કરીને પાસ થઈને ડોક્ટર બને તો વધીને 150 કે 200 માણસોને યમરાજના દરબાર પહોંચાડતા હોય છે. જયારે એક શિક્ષક જો શિક્ષણ ખોટું આપે, પોતાના પર આવતું કામ સરખું ના કરે કે, ફક્ત પોતાના પગાર માટે જ જો નોકરી કરે તો સમજી લો આ જ શિક્ષક આપણા દેશની નવી પેઢીને કેટલી પાછળ ધકેલશે! દેશના ભવિષ્યની જીવાદોરી, સંસ્કૃતિ કે જ્ઞાનની મજબૂત લગામ બધું જ એક શિક્ષકના હાથમાં છે. આજે આવા સાચાં અને મહેનતું શિક્ષક નસીબદાર વિદ્યાર્થીઓને જ મળે છે.
મહાન શિક્ષક દરેક વિદ્યાર્થીનાં જીવનના માર્ગદર્શક, સાચા મિત્ર અને પ્રેરક હોય છે. તેઓ માત્ર પુસ્તકનું જ જ્ઞાન નહીં, પરંતુ જીવનના દરેક સાચા અને ખોટા રસ્તાઓ બતાવનાર સાચા ગુરુ પણ છે. તેથી જ વિદ્યાર્થી અભ્યાસમાં હોશિયાર હોય કે ના હોય પણ શિક્ષા જો સાચી મળે તો જિંદગીની બાજી એ અવશ્ય જીતી જાય છે. આદર્શ શિક્ષક વિના જ્ઞાન અધૂરું છે અને જ્ઞાન વિના પ્રગતિ અશક્ય છે.
બાળકની સૌથી પહેલી સ્કૂલ ઘર કહેવાય છે. કારણ કે જન્મતા જ એ કુટુંબનાં ઓથે ઉછરતું હોય છે. દરેક નાના બાળક માટે ઘર એક મહાવિદ્યાલય બની જતી હોય છે. આમ છતાં પણ સ્કૂલે જતાં જ બાળક શિક્ષક કહેશે એમ કરવા લાગશે. કારણ કે બાળક ભલે ઘરે જીદ કરે, પણ એટલું જરૂૂર સમજે છે કે મારાં વડીલો મારી હા માં હા અને ના માં ના કરતાં હોય છે. મને ગમતું કરતાં હોય છે. હું કોઈપણ રમતમાં જીતી જાઉં એવો નિરર્થક પ્રયાસ પણ કરતાં હોય છે.
એક આદર્શ શિક્ષક સ્કૂલમાં ભેદભાવ વગર જ સત્યને સત્ય સાબિત કરે છે. બધા વિદ્યાર્થીઓ એમના માટે એક સરખા જ હોય છે. બાળક જયારે આ બધું સમજતું થાય ત્યારથી પોતે શિક્ષકને એક જ્ઞાન આપનાર ગુરુની પવિત્ર લાગણીમાં બંધાય છે. તેમજ શિક્ષક પ્રત્યે એક ગાઢ લાગણી પ્રાઈમરીથી જ બંધાઈ જતી હોય છે. આદર્શ શિક્ષકના દરેક પગલે ચાલતા ચાલતા પોતાની મંજિલે પહોંચી જતા હોય છે. સંસ્કાર, મૂલ્યો અને જીવન જીવતા શીખવનાર શિક્ષક વિદ્યાર્થીના વ્યક્તિત્વને ઘડે છે. અંતે, શિક્ષક એ વિદ્યાર્થીનાં ભવિષ્યના શિલ્પી છે.
ખરેખર, એક મહાન શિક્ષક સમાજનું એક અભિન્ન અંગ છે. જીવનના આ અતિ મહત્વના અંગ વગર જીવવું પણ મુશ્કેલભર્યું છે. શિક્ષકને સાચા અર્થમાં રાષ્ટ્રનિર્માતા કહેવામાં આવે છે. એટલે જ મહાન સંત કબીર કહે છે કે,
ગુરુ ગોવિંદ દોનો ખડે,
કાકે લાગુ પાય,
બલિહારી ગુરુ આપને
ગોવિંદ દિયો બતાય’