તામિલનાડુમાં ધક્કામુક્કી: 40નાં મોત માટે જવાબદાર વિજયને જેલભેગો કરો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)ની ટીમ પહેલી વાર ટાઇટલ જીતી તેની ઉજવણી માટે કઢાયેલી રેલીમાં વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોને જોવા માટે ભીડ એકઠી થઈ જતાં. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 11 લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા.
આ ઘટના હજુ તાજી જ છે ત્યાં શનિવારે સાંજે તમિળનાડુના કરુરમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગ થતાં 40 લોકોએ જીવ ગુમાવ્યા. બીજાં સંખ્યાબંધ લોકો ઘાયલ થઈને આઈસીયુમાં પડ્યાં છે એ જોતાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ ઘટના ગંભીર છે ને તેની રાજકીય અસરો પડી શકે છે. વિજયે નવી નવી પાર્ટી લોંચ કરી છે અને આવતા વરસે યોજાનારી ચૂંટણીના મેદાનમાં ઊતરવા થનગની રહ્યો છે ત્યારે તેના માટે તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. ચૂંટણી પ્રચારનો પહેલો તબક્કો જ રક્તરંજિત થતાં વિજય માટે રાજકીય સફર મુશ્કેલ હશે એ સ્પષ્ટ છે.
વિજયનું રાજકીય ભાવિ શું હશે એ ખબર નથી કેમ કે લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે પણ આ ઘટનાએ સાબિત કર્યું છે કે, વિજય જનનાયક બનવાને લાયક નથી. વિજયે ફિલ્મો છોડી દીધી પણ ફિલ્મ સ્ટારના તેવર નથી છોડ્યા ને તેનામાં રાજકીય પરિપક્વતા પણ નથી. પોતે કંઈ પણ કરશે કે કહેશે તેનું શું પરિણામ આવશે તેની ચિંતા કર્યા વિના સ્ટેજ પર ચડીને તેણે લોકોને ધંધે લગાડ્યા તેમાં આ દુર્ઘટના સર્જાઈ.
દુર્ઘટના બન્યા પછી લોકો વચ્ચે રહેવાના બદલે વિજય ભાગી ગયો. આ પ્રકારની પલાયનવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ રાજકારણી તરીકે સફળ થઈ જાય પણ લોકોની તકલીફોને દૂર કરશે એવી અપેક્ષા જરાય ના રખાય. વિજયે કરૂૂરમાં રોકાઈને ઘાયલ થયેલાં લોકોને મળવાની જરૂૂર હતી, પોતાનાં સ્વજનોને ગુમાવનારાં લોકોને સાંત્વન આપવાની જરૂૂર હતી તેના બદલે એ ચેન્નાઈના બંગલામાં આરામ કરવા જતો રહ્યો.
કોઈએ સલાહ આપી હશે એટલે મોડી રાત્રે વિજયે પર તેનું દિલ તૂટી ગયું છે અને તેને ખૂબ જ દુ:ખ થાય છે એ પ્રકારની પોસ્ટ મૂકી પણ તેનો અર્થ નથી. લોકોને જરૂૂર હતી ત્યારે તેમની સાથે રહેવાના બદલે ભાગી જનારો માણસ સોશ્યલ મીડિયા મારફતે ગમે તેટલી સંવેદના બતાવે, તેની કિંમત મગરનાં આંસુથી વધારે નથી. તમિળનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ નિમી છે પણ વાસ્તવમાં વિજયને ઉઠાવીને અંદર કરવાની જરૂૂર છે. હૈદરાબાદમાં સિનેગૃહ બહાર ધક્કામુક્કીમાં એક મહીલાનું મોત થયું તો પોતાની ફિલ્મના પ્રીમીયર શોમાં હાજરી આપનારા અલ્લુ અર્જુનની ધરપકડ થઇ તો વિજય બહાર કેમ? હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિજય ઘટનાસ્થળે પહોંચ્યા પછી તરત જ ફ્લડલાઈટ થોડીવાર માટે બંધ થઈ ગઈ.
આનાથી આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. શું આનાથી ગભરાટ ફેલાયો? સરકારે કહ્યું કે વીજળી બોર્ડનો વીજળી બંધ કરવામાં આવી ન હતી, પરંતુ ટીવીકે દ્વારા ઉપયોગમાં લેવાતા જનરેટર સાથે જોડાયેલ ફ્લડલાઈટ બંધ થઈ ગઈ હતી. આપણે ફક્ત એ જાણવાની જરૂૂર છે કે વીજળી કોણે અને શા માટે બંધ કરી. શું લોકો જનરેટર પર પડ્યા હોવાથી? કે પછી લાઈટો અંધારા થવાથી ગભરાટ ફેલાયો અને ત્યારબાદ ભાગદોડ મચી ગઈ?
