આ તો આપણો જ છોકરો છે તેનું ધ્યાન રાખજો
PM મોદીના જન્મદિને રવિન્દ્ર જાડેજાએ શેર કર્યો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ પર દેશ-વિદેશના રાજનેતાઓ સહિત ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ઓએ શુભેચ્છાઓ આપી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ પીએમ મોદીને તેમના બર્થડે પર અનોખા અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. જાડેજાએ પીએમ મોદી માટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે વડાપ્રધાન સાથે પોતાની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું.
રવીન્દ્ર જાડેજાએ પીએમ ના જન્મદિવસ પર જણાવ્યું કે, જ્યારે તે 2010માં પહેલીવાર પીએમ મોદીને મળ્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જાડેજાએ જણાવ્યું કે, તે સમયે સાઉથ આફ્રિકા સામે મોટેરા સ્ટેડિયમમાં અમારી મેચ હતી. સવારે મેચ રમાવાની હતી, એ પહેલા તેઓની સાથે અમારી પહેલી મુલાકાત થઈ. જાડેજાએ જણાવ્યું કે ત્યારે માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની)એ મારા વિશે જણાવતા કહ્યું કે, આ રવીન્દ્ર જાડેજા છે, ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, આ તો આપણો જ છોકરો છે, તેનું ધ્યાન રાખજો જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આ વાત ઘણી સહજતાથી કહી હતી અને આ વાત કહેતા તેમના ચહેરા પર સ્માઇલ હતી. જાડેજાએ જણાવ્યું કે, જ્યારે કોઈ આવડો મોટો માણસ તમારા વિશે આવી વાત કહે છે, તો ખૂબ જ સારું લાગે છે. એક અલગ અનુભવ થાય છે. જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માય મોદી સ્ટોરીના નામથી આ વાત લોકો સાથે શેર કરી છે. જાડેજાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે મારી ટીમ સામે તેના આ શબ્દોએ મને ગર્વનો અનુભવ કરાવ્યો. હું એ ક્ષણોને ક્યારેય નહીં ભૂલી શકું.