બુલડોઝર ચલાવવા બદલ નેતાઓ સામે કાર્યવાહી કરો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર અપરાધીઓનાં ઘરો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરે છે તેના પર હિંદુવાદીઓનો એક ચોક્કસ વર્ગ ફિદા ફિદા છે. આ કાર્યવાહીના કારણે યોગી હિંદુવાદીઓના પોસ્ટર બોય તરીકે ઊભર્યા છે. દેશભરમાં યોગીના રવાડે ચડીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ બુલડોઝર ફેરવીને હીરોગીરી કરી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ બુલડોઝરના નામે કરાતી હીરોગીરીની હવા કાઢી નાખી છે.
સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીને કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન ગણાવીને કહ્યું છે કે, જે પણ આ કાર્યવાહી કરશે તે અધિકારીએ નુકસાન ભરપાઈ કરી આપવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બુલડોઝર કાર્યવાહીમાં મનસ્વી રીતે કામ કરતા અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. સત્તાવાળાઓએ સાબિત કરવું પડશે કે આ માળખું ગેરકાયદેસર છે અને તો જ કાર્યવાહી કરી શકાશે. અનધિકૃત માળખું જાહેર રોડ/રેલવે ટ્રેક/વોટર બોડી પર હોય તો કોઈ પણ ઈમારતને તોડી શકાય છે પણ એ સિવાય કારણ આપવું પડશે.
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, સૌથી પહેલાં બુલડોઝરની કાર્યવાહી અંગે નોટિસ આપવી પડશે. નોટિસમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીનું કારણ પણ જણાવવાનું રહેશે. નોટિસમાં બુલડોઝર ચલાવવાનું કારણ અને સુનાવણીની તારીખનો ઉલ્લેખ કરવો જરૂૂરી રહેશે. બુલડોઝરનો મુદ્દો લાંબા સમયથી ગાજતો હતો અને સુપ્રીમ કોર્ટે પહેલાં જ પોતાના આકરા તેવરનાં દર્શન આપી દીધેલા. સુપ્રીમ કોર્ટમાં જમિયત ઉલેમા એ હિંદે બુલડોઝર કાર્યવાહી સામે અરજી કરેલી. જમિયતના વકીલ ફારક રશીદે દલીલ કરેલી કે, ભાજપના શાસનવાળી રાજ્ય સરકારો લઘુમતીઓને હેરાન કરવા અને ડરાવવા માટે ઘરો અને મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને પ્રોત્સાહન આપી રહી છે. સુપ્રીમ કોર્ટનું વલણ પ્રશંસનિય છે તેનો ઈન્કાર ન થઈ શકે. બુલડોઝર ચલાવવાની કાર્યવાહી ન્યાયિક રીતે થઈ નથી એ કહેવાની જરૂૂર નથી.
જમિયત દ્વારા કરેલા આક્ષેપો પ્રમાણે માત્ર મુસ્લિમોનાં ઘરો પર જ બુલડોઝર ચલાવીને તેમને ડરાવાય છે એવું નથી પણ સરકારે પોતાની સામેના અવાજને દબાવવા બુલડોઝર ફેરવ્યાં છે એ હકીકત છે. ખેડૂત આંદોલન વખતે કે બીજી ઘટનાઓમાં પણ સરકાર વિરુદ્ધના દેખાવોમાં સામેલ હોવાની શંકા હોય તેવા લોકોનાં ઘરો દેશનાં કેટલાંય રાજ્યોમાં તોડી પાડવામાં આવ્યાં છે. આ બધું કાયદાના શાસનની વિરુદ્ધ છે એ જોતાં સુપ્રીમ કોર્ટે તેને રોકવાનો આદેશ આપીને અને માર્ગદર્શિકા બનાવીને કશું ખોટું કર્યું નથી. જો કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી બદલ અધિકારીઓ સામે પગલાં લેવાનું કે તેમના ખર્ચે મકાન કે મિલકત, બનાવી આપવાનો આદેશ આપ્યો એ થોડોક ખટકે છે. વાસ્તવમાં અધિકારીઓની સાથે સાથે સત્તામાં બેઠેલા નેતાઓને પણ દોષિત ગણીને તેમની પાસેથી પણ ખર્ચ વસૂલવાનો આદેશ આપવો જોઈએ.
આપણે ત્યાં અધિકારીઓ સાવ કરોડરજજુ વિનાના છે અને પોતાની ફરજ બજાવવાના બદલે સત્તામાં બેઠેલાં લોકોનાં તળિયાં ચાટે છે એ જોતાં તેમને લપેટમાં લેવામાં કશું ખોટું નથી પણ બુલડોઝર ચલાવવાની કામગીરી મોટા ભાગે નેતાઓના ઈશારે થાય છે કેમ કે હીરો બનવાની ચળ તેમને વધારે હોય છે. આ સંજોગોમાં અધિકારીઓની સાથે સાથે નેતાઓને પણ લપેટમાં લેવા જોઈએ અને તેમને પણ દંડ થવો જોઈએ