બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા
JDU પ્રમુખ નીતિશ કુમાર ગુરુવારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી અપેક્ષા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, શપથગ્રહણ સમારોહ વિશાળ ગાંધી મેદાનમાં યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અન્ય કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક ટોચના એનડીએ નેતાઓ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્ય વહીવટી અધિકારીઓએ રવિવારે ગાંધી મેદાન ખાતેના કાર્યક્રમને એક મોટા જાહેર કાર્યક્રમમાં ફેરવવા માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી હતી. રવિવારે જારી કરાયેલી એક સૂચનામાં, પટણા જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ગાંધી મેદાન 17 થી 20 નવેમ્બર સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.
દરમિયાન આજે વર્તમાં સરકારની છેલ્લી કેબીનેટની બેઠક યોજાઇ રહી છે. NDA ની અંદરના તમામ પક્ષો વચ્ચે મંત્રી પદોની વહેંચણી પર સર્વસંમતિ સાધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ક્વોટામાંથી 15 થી 16 મંત્રીઓની અપેક્ષા છે.
મુખ્યમંત્રી સહિત JDUના ચૌદ મંત્રીઓ શપથ લઈ શકે છે. LJP (રામવિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાન પાસે ત્રણ મંત્રી હોવાની અફવા છે, જ્યારે જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષોમાં એક-એક મંત્રીનો સમાવેશ થવાની અપેક્ષા છે. દરમિયાન, મંત્રીમંડળની રચના પહેલા ભાજપે આંતરિક તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. પક્ષે દિલીપ જયસ્વાલ અને સમ્રાટ ચૌધરીને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. બંને નેતાઓ પહેલાથી જ મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા છે અને વિગતવાર ચર્ચા કરી છે.