સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્ય
આવા સમુદાયો અશાસ્ત્રીય છે, તેનાથી હિન્દુ ધર્મનું પતન થશે; તે ધાર્મિકતાનું આવરણ ઓઢીને ધર્મ વિરૂધ્ધ કામ કરે છે, દૂધમાં પાણી ભેળવનારાથી સામે સાવધાન રહેવું
મધ્યપ્રદેશમાં ચતુર્માસ અનુષ્ઠાન પ્રસંગે પ્રવચનમાં ઇસ્કોન સહિતના નવા સંપ્રદાયોની ઝાટકણી કાઢતા દ્વારકાના શંકરાચાર્ય
દ્વારકા શારદા મઠનાં પીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે પોતાનાં ચતુર્માસનાં અનુષ્ઠાન પ્રસંગે પ્રવચનમા નવા ફુટી નિકળેલા સંપ્રદાયો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સનાતન ધર્મમાથી થોડુ લઇ પોતાનુ ઉમેરી નવો પંથ કે સંપ્રદાય ચાલુ કરનારાઓને સનાતન ધર્મનો નાશ કરનારા ગણાવ્યા હતા. મધ્યપ્રદેશમા પરમહંસી ગંગા આશ્રમ શ્રીધામ ખાતે પ્રવચનમા શંકરાચાર્ય સ્વામીએ સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ, ઇસ્કોન, રાધા સ્વામી સહીતનાં સંપ્રદાયોને સનાતન ધર્મમા ભેળસેળ કરનારા ગણાવ્યા હતા. તેમણે તર્ક આપતા જણાવ્યુ હતુ કે આ લોકો દુધ જેવા સનાતન ધર્મમા પાણી ભેળવવાનુ કામ કરી રહયા છે અને આવી ભેળસેળ કરનારાઓ સામે સાવધ રહેવુ જોઇએ. નહીં તો સનાતન હિન્દુ ધર્મનું પતન થશે. આવા તમામ સમુદાયો અશાસ્ત્રીય છે.
પોતાનાં વકતવ્યમા શંકરાચાર્ય સ્વામીએ જણાવ્યુ હતુ કે આપણે આપણી ભાવિ પેઢીઓના હૃદયમાં મંદિરો દ્વારા ધર્મનું નિર્માણ કરવા માંગીએ છીએ. આપણે જાગૃત રહેવું જોઈએ. અંદરથી જાગૃતિ આવવી જોઈએ. આપણે બસ એટલું જ કરવાનું છે. આપણે જાગૃત રહેવું જોઈએ. તેથી અશાસ્ત્રીય સમુદાયોએ પણ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. તેને પણ દૂર કરવું જોઈએ.અશાસ્ત્રીય સમુદાયો, જે ધાર્મિક પ્રદૂષણ ફેલાવે છે અને ખરાબ કાર્યો કરે છે, જે સનાતન હિન્દુ ધર્મનો નાશ કરવાનો પ્રયાસ કરે છે, જે દૂધમાં પાણી ભેળવી રહ્યા છે, જે ભેળસેળ કરી રહ્યા છે, જે સનાતન ધર્મમાંથી કંઈક લે છે અને પોતાનું કંઈક ઉમેરી રહ્યા છે.
આપણે આ બધાથી વાકેફ રહેવું જોઈએ. આપણે આપણા સનાતન હિન્દુ ધર્મને વર્તમાન સમયમાં ફેલાતા ધાર્મિક પ્રદૂષણથી બચાવવાનો છે. દરેક કથાકારો અને દરેક વક્તાએ હંમેશા આ બાબતોની ચર્ચા કરતા રહેવું જોઈએ જેથી લોકો જાગૃત રહે. આપણા ગુરુજી, સતગુરુદેવ ભગવાન કહેતા હતા, હિન્દુઓએ જાગૃત રહેવું જોઈએ. આપણે તેમનાથી પોતાને બચાવવું જોઈએ. શીરડી સાંઇબાબા મંદિર અંગે પણ તેમણે જણાવ્યુ હતુ કે મારા ગુરૂ 20 વર્ષ પહેલા મહારાજે સાંઇબાબા અંગે મુદો ઉઠાવ્યો હતો. તે બધા સનાતન ધર્મને પતન તરફ લઇ જવાનુ કાર્ય કરે છે.
ઇસ્કોનવાળાને લાગે છે કે હરે રામ હરે રામ કરીને મોટી જાગૃતી ફેલાવે છે પરંતુ એ ષડયંત્ર છે
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલા ઇસ્કોન સંપ્રદાય અંગે શંકરાચાર્ય સ્વામીએ જણાવ્યુ હતુ કે એક ઇસ્કોનવાળા છે જેને લાગે છે કે હરે રામ હરે રામ કિર્તન કરીને તેઓ જાગૃતી ફેલાવી રહયા છે. પરંતુ તે મોટુ ષડયંત્ર છે. જેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારત આવી હતી અને સમગ્ર દેશ પર અંગ્રેજોએ કબજો કરી લીધો હતો તેમ આ (ઇસ્કોનવાળા) ષડયંત્ર કરી રહયા છે. ધર્મનો આવરણ ઓઢીને ઇસ્કોનવાળાઓ ષડયંત્ર કરે છે. તેઓ પોતાને કયારેય હિન્દુ ગણાવતા નથી. તેઓ ઇસ્કોનવાળા ગણાવે છે. તમારા પૈસા ભેગા કરી કરીને બહાર મોકલી દયે છે. બહુ મોટો ખેલ થઇ રહયો છે. તેની સામે પોતાની રક્ષા કરવી જોઇએ.
ગુજરાતમાં 300-400 વર્ષથી આવેલો સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજીને પોતાના દાસ ગણાવે છે
શંકરાચાર્ય સ્વામિએ પોતાનાં પ્રવચનમા જણાવ્યુ હતુ કે ગુજરાતમા હાલમા આવેલો, હાલ નહીં પરંતુ 300-400 વર્ષથી આવેલો સંપ્રદાય જે પહેલા ઠીક ઠાક ચાલતો હતો તે હવે ગળબડ કરવા માંડયો છે. તેઓ કહે છે કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના દાસ છે. આ પ્રકારે આ સંપ્રદાયવાળા સનાતન ધર્મનુ નામ લઇને સનાતન ધર્મને જ તોડવાનુ કામ કરે છે.
શિવજીને અલગ નામે બોલાવે છે અને બ્રહ્મા કુમારીને નામે મોટા મોટા વ્યાખ્યાનો યોજે છે
શંકરાચાર્ય સ્વામીએ અશાસ્ત્રીય સંપ્રદાયોમા બ્રહ્માકુમારીને મુખ્ય ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે વર્તમાન સમયમાં મુખ્ય છે, બ્રહ્માકુમારીઓ. બ્રહ્માકુમારો, જેઓ શિવજીને જુદા જુદા નામોથી બોલાવે છે, તેઓ અર્થ સમજી શકતા નથી. તેઓ શિવ શબ્દનો અર્થ સમજી શકતા નથી અને મોટા એસી હોલમા બેસીને વ્યાખ્યાનનુ આયોજન કરે છે. જેને ખુદ અર્થની સમજ નથી તેઓ શું કહી રહયા છે તે સમજવાની જરૂર છે. તેઓ જે કહી રહયા છે તે કથનનુ પ્રમાણ શું છે. એટલા માટે તેમનાથી બચવુ જોઇએ.
હરીદ્વારમાં ગાયત્રી શક્તિપીઠનાં અશાસ્ત્રીય યજ્ઞને લીધે આપણા દેશમા સંકટો આવે છે
હરીદ્વારમા શ્રીરામ શર્મા ગાયત્રી શકિતપીઠ ચલાવે છે. તમામ ગાયત્રી યજ્ઞો કરે છે. જે તમામ વિધીહિન હોય છે. જેને લીધે આપણા દેશમા સંકટો આવે છે. તેમણે શાસ્ત્રનુ પ્રમાણ આપતા જણાવ્યુ હતુ કે વિધીહિન: યજ્ઞસ્ય સજ્ઞ સહકર્તા વિનસ્યતી. આવુ ન કરવુ જોઇએ.