નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલી છૂટી ગયો! સીબીઆઇની કામગીરી સામે ફરી સવાલ
એક સમયે આખા દેશને ખળભળાવી મૂકનારા 2006ના નિઠારીકાંડનો સહ-આરોપી સુરેન્દ્ર કોલી પણ જેલની બહાર આવી જતાં આ દેશમાં ખરેખર ન્યાયના નામે તમાશા સિવાય કશું થતું નથી એ વરવી હકીકત ફરી મોં ફાડીને સામે આવી ગઈ છે. 2005 અને 2006ની વચ્ચે દિલ્હી પાસેના નોઈડાના સેક્ટર 31માં આવેલા નિઠારી ગામમાં અનેક બાળકો અને મહિલાઓ પર ક્રૂરતાથી બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી. આ પાશવી બળાત્કાર અને હત્યાઓ મોનિન્દરસિંહ પાંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીએ કર્યાં હોવાનું બહાર આવ્યું હતું કેમ કે પાંઘેરના ઘરમાંથી 19 બાળકો અને સ્ત્રીઓનાં હાડપિંજર મળી આવ્યાં હતાં. આ ઘટનાએ ખળભળાટ મચાવેલો અને પાંઢેર-કોલી બંને સામે બળાત્કાર અને હત્યાના 19 કેસ નોંધાયા હતા. કોલી સામે 13 ગુનામાં આરોપ મૂકવામાં આવ્યા હતા અને તેમાંથી 12 કેસમાં તેને પહેલાં જ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા રિમ્પા હલદર કેસમાં પહેલાં કોલીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પણ કોલીએ આ ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરેલી તેમાં એ છૂટી જતાં કોલી સાવ દૂધે ધોયેલો સાબિત થઈ ગયો.
આ કેસમાં કોલીનો શેઠ મોનિન્દર સિંહ પાંઢેર પહેલાં જ જેલની બહાર આવી ગયો છે. પાંઢેરને 30 જુલાઈ, 2025 ના રોજ તમામ આરોપોમાંથી મુક્ત કરીને છોડી મૂકવામાં આવ્યો હતો. કોલી પણ મંગળવારે જેલમાંથી બહાર આવી જતાં નિઠારીકાંડ પર પડદો પડી ગયો છે પણ આ દેશની સિસ્ટમની પોલ ખૂલી ગઈ છે અને ભારતમાં ન્યાયતંત્ર અને તપાસ માટેની એજન્સીઓ ફારસ સિવાય કશું કરી નથી રહી એ સ્પષ્ટ થઈ ગયું છે. 19 બાળકો અને સ્ત્રીઓનાં હાડપિંજર મળ્યાં છતાં આ કાંડમાં કોઈને સજા ના થાય તેનાથી વધારે મોટું ફારસ બીજું શું હોઈ શકે? નિઠારી કાંડમાં કોલીની મુક્તિએ સીબીઆઈને પણ શંકાના દાયરામાં લાવી દીધી છે કેમ કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે હતી.
લગભગ બે દાયકા લગી કેસ ચાલ્યા પછી સીબીઆઈ પાંઢેર કે કોલીને સમ ખાવા પૂરતા એક કેસમાં પણ સજા ના અપાવી શકી એ જોતાં ખરેખર તો સીબીઆઈને ખંભાતી તાળાં લગાડી દેવાં જોઈએ. ન્યાયતંત્ર પણ શંકાના દાયરામાં છે કેમ કે પાંઢેર-કોલીને પહેલાં ફાંસીની સજા થઈ હતી. સીબીઆઈ માટે શરમજનક વાત એ કહેવાય કે, નિઠારી કાંડ પેચીદો નહોતો પણ એકદમ સીધો ને સરળ કેસ હતો. ન્યાયની ભાષામાં કહીએ તો ઓપન એન્ડ શટ કેસ હતો. ઢગલાબંધ પુરાવા હતા ને છતાં સીબીઆઈ કોઈને સજા ના અપાવી શકી. કોર્ટે પહેલાં પાંઢર ને પછી કોલીને એ કારણસર જ છોડી મૂક્યા છે કે, આરોપીઓની કબૂલાત સિવાય અન્ય કોઈ જડબેસલાક પુરાવા રજૂ નથી કરી શક્યા. નિઠારીકાંડમાં જેમણે પોતાનાં બાળકો, દીકરીઓ કે સ્વજનો ગુમાવ્યાં એ લોકોને હાથ બે દાયકા પછી નિરાશા સિવાય કંઈ હાથ લાગ્યું નથી. આ વાત આઘાતજનક કહેવાય ને આપણે ત્યાં ન્યાયની વાતો થાય છે એ સાવ બોદી છે એ પુરવાર કરનારી છે.