ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘ઠગ લાઇફ’ ફિલ્મ મુદ્દે સુપ્રીમની આવકાર્ય ટિપ્પણી: ટોળાંશાહીને તાબે ન થવાય

10:52 AM Jun 18, 2025 IST | Bhumika
Advertisement

કમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ’ઠગ લાઈફ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. 24 મેએ ચેન્નાઈમાં ‘ઠગ લાઈફ’ની ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં કમલ હાસને કહેલું કે કન્નડ ભાષા તમિળમાંથી ઉદ્ભવી છે. કમલ હાસનના નિવેદન સામે ભડકો થઈ ગયો ને કર્ણાટકમાં લોકો ઉકળી ઉઠેલાં. કમલ હાસને તમિળ ભાષાને કન્નડ ભાષાની જન્મદાત્રી ગણાવી પછી કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (કેએફસીસી) એ માગ કરી હતી કે કમલ હાસન માફી ન માગે ત્યાં સુધી ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ ના કરવા દેવી જોઈએ. કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકોને ખુશ કરવા ’ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ના થવા દીધી તેની સામે કમલ કર્ણાટક હાઈ કોર્ટમાં ગયેલો પણ ઊલટાનું કર્ણાટક હાઈ કોર્ટે કમલ હાસનને તતડાવી નાખીને માફી માગવા કહેલું.

Advertisement

કમલ હાસને માફી માગવાના બદલે કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ જ નથી કરવી એમ કહીને આખા ટંટાનો નિવેડો લાવી દીધેલો પણ કમલ હાસનનો એક ચાહક સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને જાહેર હિતની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફ રિલીઝ ન થવા દેવાઈ તેની ઝાટકણી કાઢીને બે મહત્ત્વના આદેશ આપ્યા છે. પહેલો આદેશ ફિલ્મની રિલીઝનો છે અને બીજો આદેશ કર્ણાટક હાઈ કોર્ટની ઝાટકણીનો છે. ન્યાયાધીશ ઉજજલ ભૂયાન અને ન્યાયાધીશ મનમોહનની બેન્ચે આદેશ આપ્યો છે કે, કોઈ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી જાય છે પછી તેની રિલીઝને દેશના કોઈ પણ રાજ્યમાં ના રોકી શકાય.

સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને ‘ઠગ લાઈફ’ની રિલીઝને મંજૂરી આપીને કહ્યું છે કે ટોળાં અને નૈતિકતાના ઠેકેદારો શું ચાલશે ને શું નહીં ચાલે એ નક્કી કરે એ સ્થિતિ જરાય નહીં ચલાવી લેવાય. કમનસીબે આપણે ત્યાં રાજકીય કે બીજા ફાયદા માટે થઈને સંગઠનો, રાજકીય પક્ષો, વ્યક્તિઓને ઘણી વાર તો જેમની મુખ્ય જ જવાબદારી બંધારણની રક્ષા કરવાની છે એવી રાજ્ય સરકારો પણ સાવ વાહિયાત વાંધા ઊભા કરીને ફિલ્મને રિલીઝ નથી થવા દેતી. આ વલણ દેશના બંધારણનું અપમાન કહેવાય, કેન્દ્ર સરકારની સત્તાની અવગણના કહેવાય. તેની સામે આકરાં પગલાં લેવાવાં જોઈએ પણ લેવાતાં નથી તેથી છેવટે સુપ્રીમ કોર્ટે બંધારણની રક્ષા માટે મેદાનમાં આવવું પડે છે, નેતાઓ તો તેને પણ જ્યુડિશિયલ એક્ટિવિઝમ ગણાવીને વાંધા લે છે પણ આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ ના હોય તો નેતાઓની મનમાની ચાલે ને ટોળાશાહીનું રાજ ચાલે.

Tags :
'Thug Life' film'Thug Life' film issueindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement