શીખો પર જોકસને ગંભીરતાથી લેતી સુપ્રીમ: સુનાવણી માટે તૈયાર
સુપ્રીમ કોર્ટે શીખોની મજાક ઉડાવતા જોક્સ પર નિયંત્રણને મહત્વનો મુદ્દો ગણાવ્યો છે. આ મુદ્દે પેન્ડિંગ એક અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે અરજદારને શીખ સંગઠનો દ્વારા આપવામાં આવેલા સૂચનોનું સંકલન કરવા કહ્યું હતું. આ કેસની સુનાવણી 8 અઠવાડિયા પછી થશે.
ગઇકાલે ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી કરી. અરજદારે કહ્યું હતું કે શીખ પુરુષો અને મહિલાઓને તેમના પહેરવેશના કારણે ઉપહાસનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે એક કિસ્સામાં એક શીખ યુવકે મજાકથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી હતી.2015માં દિલ્હીના વકીલ હરવિંદર ચૌધરીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આવા જોક્સ સન્માન સાથે જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. જે વેબસાઈટ પર આ પ્રકાશિત થાય છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
અરજદારે પોતાની અરજીમાં સમાજના ઘણા લોકોની શીખોની મજાક ઉડાવવાની વૃત્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સાથી વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓમાં શીખ બાળકોને થતી હેરાનગતિ વિશે પણ વાત કરી હતી. બાદમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ, દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ, મનજીત સિંહ જીકે અને મનજિંદરસિંહ સિરસાએ પણ અરજી દાખલ કરી હતી.
આ ઉપરાંત નેપાળી મૂળના બે વિદ્યાર્થીઓ, અક્ષય પ્રધાન અને માનિક સેઠીએ પણ અરજી દાખલ કરી અને નેપાળી/ગોરખા લોકોને હાસ્યનું પાત્ર બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો.