કાવડ યાત્રા રૂટ પર દુકાનદારોના QR કોડ મામલે સુપ્રીમ કડક
યુપી સરકારનો 22 જુલાઇ સુધીમાં જવાબ માગ્યો
કાવડ યાત્રા રૂૂટ પર બનેલી દુકાનો પર કયુઆર કોડ લગાવવા અને દુકાન માલિકોની ઓળખ જાહેર કરવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશો પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી સરકારને નોટિસ જારી કરી છે. ઉપરાંત, 22 જુલાઈ સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.
શિક્ષણવિદ અપૂર્વાનંદ ઝા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને ન્યાયાધીશ એન કોટિશ્વર સિંહની બેન્ચે યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ગયા વર્ષે પણ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ દ્વારા કાવડ યાત્રા રૂૂટ પર સ્થિત ખાણીપીણીના સ્થળોએ તેમના માલિકો, કર્મચારીઓના નામ અને અન્ય વિગતો પ્રદર્શિત કરવા માટે જારી કરાયેલા નિર્દેશો પર રોક લગાવી હતી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, યુપી સરકાર દ્વારા 25 જૂને જારી કરાયેલા નિર્દેશને ટાંકીને, શિક્ષણવિદ અપૂર્વાનંદ ઝાએ જણાવ્યું હતું કે નવા નિર્દેશ હેઠળ, કંવર રૂૂટ પર બનેલી તમામ ખાણીપીણીની દુકાનો પર કયુઆર કોડ દર્શાવવા ફરજિયાત છે. આ દુકાન માલિકોનું નામ અને ઓળખ જાહેર કરશે. આ ફરીથી એ જ ભેદભાવ કરી રહ્યું છે, જેને આ કોર્ટે અગાઉ અટકાવી દીધો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારનો નિર્દેશ, જે સ્ટોલ માલિકોને કાનૂની લાયસન્સ આવશ્યકતાઓ હેઠળ ધાર્મિક અને જાતિ ઓળખ જાહેર કરવા કહે છે, તે દુકાન, ઢાબા અને રેસ્ટોરન્ટ માલિકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.