પોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશે
દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવા કે ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ અંતર્ગત, કોર્ટ કેસમાં દાખલ કરાયેલી સુઓમોટો અરજી પર સુનાવણી કરશે. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ દ્વારા કરવામાં આવશે.
આ અરજીમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ અને માનવાધિકાર ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરે, કોર્ટે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે આ વર્ષના પહેલા સાતથી આઠ મહિનામાં પોલીસ કસ્ટડીમાં 11 મૃત્યુ થયા છે.
આવી સ્થિતિમાં, સીસીટીવી કેમેરાનો અભાવ એક ગંભીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી માનવ અધિકારોના ઉલ્લંઘનને અટકાવી શકાય. ત્યાર બાદ, ડિસેમ્બર 2020માં, કોર્ટે કેન્દ્ર સરકારનેCBI, ED અને NIAજેવી તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી અને રેકોર્ડિંગ સાધનો લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.
નોંધનીય છે કે, કોર્ટના અગાઉના આદેશ મુજબ, દરેક પોલીસ સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા, મુખ્ય દરવાજા, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન અને લોકઅપની બહાર સીસીટીવી કેમેરા લગાવવા જરૂૂરી છે. આ ઉપરાંત, કેમેરામાં નાઇટ વિઝન (રાત્રે જોવાની ક્ષમતા) અને ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ બંને હોવા જોઈએ. આ સાથે, રેકોર્ડિંગને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સંગ્રહિત કરવાની સુવિધા હોવી જોઈએ.