મંદિર-મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવા સુપ્રીમ કોર્ટ વર્શિપએક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરે
ભારતમાં હમણાં ઠેર ઠેર મંદિર-મસ્જીદ વિવાદો ચાલી રહ્યા છે અને ઘણા કિસ્સામાં નીચલી અદાલતોએ મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા કરાતા હોય એવાં સ્થાનોના સર્વે કરવાના આદેશ પણ આપ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે કે, મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ છે એ પ્રકારના દાવા સાથેની કોઈ પણ અરજી અંગે અદાલતોએ કોઈ પણ પ્રકારનો આદેશ ન આપવો અને સર્વે સહિતની કોઈ પણ કામગીરી કરવાની મંજૂરી ના આપવી. અત્યારે મંદિર-મસ્જિદ વિવાદોના કારણે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ (વિશેષ જોગવાઈઓ) 1991 પણ ચર્ચામાં છે અને તેની બંધારણીય સ્વીકૃતિ અંગેની અરજીઓના સંદર્ભમાં અદાલતે આ આદેશ આપ્યો છે. હમણાં ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદ ઉપરાંત રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ હિંદુ મંદિર હતાં તેનો વિવાદ ચાલી રહ્યો છે.
સંભલની જામા મસ્જિદ હિંદુઓનું હરિહર મંદિર હતું એવા દાવા સાથે કરાયેલી હિંદુ પક્ષકારોની અરજી સ્વીકારીને કોર્ટે જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. બે દિવસ પછી હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ રાજસ્થાનની અજમેર શરીફ દરગાહને સંકટમોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કર્યો. આ અરજી પણ કોર્ટે સ્વીકારી અને સર્વેનો આદેશ આપ્યો છે. આ તો બે ઉદાહરણ આપ્યાં, પણ દેશના જુદા જુદા ભાગોમાં આ રીતે મુસ્લિમ ધર્મસ્થાનો હિંદુ ધર્મસ્થાનોને તોડીને બનાવાયાં હોવાના દાવા સાથે કોર્ટમાં અરજીઓ થઈ છે. આ કેસો પહેલાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ- ઈદગાહ અને મધ્ય પ્રદેશના ધારમાં ભોજશાળામાં આવેલી મસ્જિદને લઈને કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ દરેક કેસમાં અદાલતે હિંદુ પક્ષકારોની અરજીઓ સ્વીકારીને સર્વેના આદેશ આપ્યા છે.
જોકે મુસ્લિમો પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ (વિશેષ જોગવાઈઓ) 1991ની જોગવાઈઓના આધારે આ સર્વે ગેરબંધારણીય હોવાની દલીલ કરે છે. તેની સામે હિંદુ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ- 1991ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટની તાકીદ પછી અદાલતો તો નવો ડખો ઊભો કરવાની હિંમત નહીં કરે, પણ હિંદુ અને મુસ્લિમ પક્ષકારો પણ સમજદારી બતાવે એ જરૂૂરી છે. અત્યારે દેશમાં 1993માં બનેલો વર્શિપ ઍક્ટ અમલમાં છે. આ ઍક્ટ હેઠળ દેશનાં તમામ ધર્મસ્થાનો 15 ઑગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે જે સ્થિતિમાં હતાં એ જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ છે. મુસ્લિમો આ ઍક્ટ પર મુશ્તાક છે, પણ સુપ્રીમ કોર્ટે આ ઍક્ટનું અર્થઘટન કરવાની અરજી સ્વીકારી છે ત્યારે અર્થઘટન શું થાય છે એ જોવું જરૂૂરી છે.