ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરતી સુપ્રીમ કોર્ટ
મમતા સરકારની આકરી ઝાટકણી કાઢી, ડોકટરોને હડતાળ સમેટવા સુપ્રીમની અપીલ
CBIને ત્રણ દિવસમાં તપાસનો સ્ટેટસ રીપોર્ટ આપવા આદેશ, શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડોકટર પર રેપ અને હત્યાની ઘટનાની આજે સુપ્રિમમાં યોજાયેલી સુનાવણીમાં કોર્ટે આકરા સવાલ ઉઠાવ્યા છે. ઉપરાંત ડોકટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે ટાર્સ્ક ફોર્સ બનાવવાની સૂયના પણ આપી છે. આ ટાર્સ્ક ફોર્સમાં ડોકટરોનો પણ સમાવેશ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. સોમવારે તપાસ એજન્સી સીબીઆઈએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. હવે આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. જેની સીબીઆઈને કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ છે. પોલીગ્રાફી ટેસ્ટથી ખબર પડશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. સીબીઆઈ પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષનો પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.
કોલકાતા રેપ કેસ મામલે સુપ્રીમમાં સુનાવણી શરૂૂ થઈ. કોલકાતા રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાનો સુપ્રીમ કોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ પાસેથી અત્યાર સુધીમાં થયેલી તપાસનો રિપોર્ટ માંગ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને પણ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો કે ઘટના સ્થળને સુરક્ષિત કેમ ન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો કે, ઘટના તો હોસ્પિટલ પરિસરમાં બની તો એફઆઇઆર હોસ્પિટલે કેમ ન દાખલ કરાવી. કારણ કે પરિવાર તો ઘટના સ્થળે હાજર જ નહોતો.
કોલકાતામાં 31 વર્ષની તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે જાહેરાત કરી કે તે ડોકટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે. કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
એસસી એ પૂછ્યું- એફઆઇઆર કોણે અને ક્યારે નોંધાવી? જેના પર કોર્ટને કહેવામાં આવ્યું કે રાત્રે 11.45 વાગ્યે પહેલી એફઆઇઆર નોંધવામાં આવી હતી. સીજેઆઇ એ કહ્યું કે મૃતદેહ માતા-પિતાને સોંપ્યાના 3 કલાક 30 મિનિટ પછી એફઆઇઆર નોંધવામાં આવી? સીજેઆઇ એ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને ફટકાર લગાવી? કહ્યું, કેમ મોડી એફઆઇઆર નોંધાઈ? હોસ્પિટલ પ્રશાસન શું કરી રહ્યું હતું? સીજેઆઇ એ કહ્યું, અમે ડોક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. અમે ડોકટરોને અપીલ કરીએ છીએ. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં છીએ. અમે તેને હાઈકોર્ટ માટે છોડીશું નહીં. આ એક રાષ્ટ્રીય હિતની બાબત છે. સીજેઆઇ એ કહ્યું કે એફઆઈઆર નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ મેનેજમેન્ટની હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આને હળવાશથી ન લેવું જોઈએ. અમે એક યંગ ડોક્ટર પર વિકૃત માણસ દ્વારા કરાયેલા બળાત્કારના કેસની ઘટનાનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તેમાં એક પશુ જેવી વિકૃતિ હતી. હું તેને રાજકીય મુદ્દો બનાવવા માંગતો નથી. વાલીઓએ 3 કલાક રાહ જોવી પડી હતી.
સીજેઆઇ એ કહ્યું કે પોલીસે ક્રાઈમ સીનનું રક્ષણ કેમ ન કર્યું? શા માટે હજારો લોકોને અંદર જવા દેવામાં આવ્યા? પ્રિન્સિપાલની બીજી કોલેજમાં શા માટે ટ્રાન્સફર કરાઈ? સીજેઆઇ એ કહ્યું કે, સીબીઆઇ એ ગુરુવાર સુધીમાં આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ. હાલ તપાસ નાજુક તબક્કામાં છે, તેથી સીધો રિપોર્ટ કોર્ટને આપવો જોઈએ. સીજેઆઇ એ ડોક્ટરોને કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો. ડોક્ટરોની હડતાળ પર તેમણે કહ્યું કે, સમજો કે તેમની પાસે આખા દેશની હેલ્થ કેર સિસ્ટમ છે.
ત્રણ અઠવાડિયાની અંદર એક્શન પ્લાન તૈયાર કરશે ટાસ્ક ફોર્સ
ચીફ જસ્ટિસે કહ્યું કે નેશનલ ટાસ્ક ફોર્સ આ તમામ મુદ્દાઓ અને અન્ય બાબતોનો સમાવેશ કરીને એક એક્શન પ્લાન તૈયાર કરશે. તે એક યોગ્ય સમયમર્યાદા પણ સૂચવશે જેના આધારે આ સૂચનો હોસ્પિટલોમાં લાગુ કરી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે નેશનલ ટાસ્ક ફોર્સને આદેશની તારીખથી ત્રણ અઠવાડિયાની અંદર વચગાળાનો રિપોર્ટ અને અંતિમ રિપોર્ટ બે મહિનામાં સુપરત કરવા વિનંતી કરવામાં આવે છે. સીજેઆઇ એ એ પણ સ્પષ્ટ કર્યું કે આ ચુકાદામાં વપરાયેલ પમેડિકલ પ્રોફેશનલથ શબ્દ એ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોનો સંદર્ભ આપે છે. આમાં ડોકટરો, ઇન્ટર્નશીપ કરતા તબીબી વિદ્યાર્થીઓ, રહેવાસીઓ, વરિષ્ઠ નિવાસી ડોકટરો, નર્સો અને નર્સિંગ સ્ટાફનો પણ સમાવેશ થાય છે.