બુલડોઝર જસ્ટિસને સુપ્રીમ કોર્ટની બ્રેક
23 ઓગસ્ટની જમીયત ઉલેમા-એ હિન્દની અરજીમાં સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચે રાજ્યોને પોતે જજ બનવાથી ચેતવ્યા, રાજ્યો કે તેના અધિકારીઓને મનઘડંત રીતે ન્યાય તોળવાનો કોઇ અધિકાર નથી, ખોટી કાર્યવાહી બદલ પગલાં લઇ શકાય: સુપ્રીમ કોર્ટની આકરી ટકોર
બુલડોઝર જસ્ટીશ અંગે આજે સુપ્રિમ કોર્ટે લાંબી સુનાવણી પછી અગત્યનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઇ સંજોગોમાં રાજયોને પોતાની સત્તા વાપરીને ન્યાય તોડવાનો અધિકાર નથી. સુપ્રિમ કોર્ટે આજે અલગ-અલગ રાજયો દ્વારા બુલડોઝર વાપરીને કથીત આરોપીઓની મિલકત તોડી પાડવા અંગેની સુનવણીમાં આ ચુકાદો આપ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આજે સુપ્રિમ કોર્ટમાં જસ્ટીશ બી.આર. ગવઇ અને કે.વી. વિશ્ર્વનાથનની બેચે આજે ચુકાદો આપતા જણાવ્યું હતું કે કોઇપણ રાજય સરકાર કે તેના અધિકારી દ્વારા ફકત આરોપી હોવાના કારણોસર કોઇપણ વ્યકિતની મિલકત કે ઘર તોડી શકે નહીં. સુનાવણી વગર ન્યાય કરવાની કોઇપણ રાજયોને સત્તા આપવામાં આવી નથી. દેશમાં કાયદાનું શાસન છે અને લોકશાહીનો મહત્વનો પાયો કાયદાનું શાસન જ છે. જસ્ટીશ ગવઇએ જણાવ્યું હતું કે બંધારણ હેઠળ મુળભુત અધિકારો આપવામાં આવ્યા છે જેમાં વ્યકિતને રાજયોની ગેરકાયદેસર કાર્યવાહીથી બચવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે.
આ અધિકાર હેઠળ કોઇપણ રાજય સરકાર કે તેના અધિકારીઓ પોતે ન્યાય આપી શકતા નથી અને આ રીતે ગેરકાયદેસર મિલકતો તોડી પાડવાથી બંધારણના આર્ટીકલ 19ના મુળભુત અધિકાર રાઇટ ટુ સેલ્ટરનું હનન થાય છે.
જસ્ટીસ ગવઇએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે રાજય કે અધિકારીઓને જે તે વ્યકિત દોષીત છે તે નકકી કરવાની સત્તા છે જ નહીં અને અધિકારીઓ પોતે જજ બનીને કાયદો હાથમાં લઇને પોતે જ નકકી કરી આરોપી વ્યકિતની પ્રોપર્ટી તોડી શકે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે 23 ઓગષ્ટની જમીયત ઉલેમાએ હિન્દ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
યુ.પી.થી શરૂ થયેલી બુલડોઝર ફેરવવાની પદ્ધતિ અનેક રાજ્યોમાં અમલી
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોમી તોફાનો અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અપરાધીઓમાં મકાનો ઉપર બુલ્ડોઝર ફેરવવાની નવી પદ્ધતિ શરૂ કરાઈ હતી. ત્યાર બાદ આ પદ્ધતિ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની સરકારો ખાસ કરીને ભાજપ શાસીત રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવી હતી. આ બુલ્ડોઝર જસ્ટીસ સામે ભારે વિરોધ અને વિવાદ સર્જાયા બાદ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. અને સુપ્રીમ કોર્ટે પણ બુલ્ડોઝર જસ્ટીસને બ્રેક મારી હતી અંતે આજે બે જજની બેંચે આખરી ચુકાદો આપી આ પદ્ધતિને સંપૂર્ણપણે ગેરકાયદેસર ફેરવીદેતા હવે દેશભરમાં બુલ્ડોઝર જસ્ટીસ પદ્ધતિ બંધ થવાની શક્યતા છે.