ચૂંટાયેલી સરકારની સર્વોપરિતા: ધનખડે આ વાત તામિલનાડુના રાજ્યપાલને કહેવી જોઇએ
રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભામાં પસાર કરાતાં બિલોને રોકી રાખવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલા આકરા વલણના કારણે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાજ્યપાલોની સાથે સાથે રાષ્ટ્રપતિ માટે પણ વિધાનસભામાં પસાર કરાયેલાં બિલોને મંજૂરી આપવા માટે મહત્તમ કેટલો સમય લઈ શકાય તેની સમયમર્યાદા નક્કી કરી હતી. પહેલાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે આ વિવાદમાં કૂદીને સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી અને હવે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ તેમાં કૂદયા છે. જગદીપ ધનખડના કહેવા પ્રમાણે, બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટને એકમાત્ર અધિકાર બંધારણનું અર્થઘટન કરવાનો મળ્યો છે પણ સુપ્રીમ કોર્ટ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહી છે. બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી સામે 24 બાય 7 ઉપલબ્ધ પરમાણુ મિસાઇલ બની ગઈ છે. ધનખડે એ જ્ઞાન પણ પીરસ્યું છે કે, લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. બધી સંસ્થાઓએ તેમની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ કેમ કે કોઈપણ સંસ્થા બંધારણથી પર નથી અને ઉપર પણ નથી. ધનખડની વાતો હાસ્યાસ્પદ છે અને આઘાતજનક પણ છે.
વધારે આઘાત એ જોઈને લાગે કે, તેમની વાતો વિરોધાભાસી છે. ધનખડ સાહેબે જ્ઞાન પીરસ્યું છે કે, લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. સવાલ એ છે કે, આ વાત રાજ્ય સરકારોને લાગુ નથી પડતી ? ચૂંટાયેલી સરકારો દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલાં બિલૌને રાજ્યપાલો રોકી રાખે ત્યારે ચૂંટાયેલી સરકારની સર્વોપરિતા ક્યાં જાય છે ? રાજ્યપાલ તો નિમાયેલી વ્યક્તિ છે પણ એ ચૂંટાયેલી સરકારના બોસ બનીને વર્તે એ કેટલું યોગ્ય કહેવાય ? ધનખડ સાહેબે એ વિશે પણ બોલવું જોઈતું હતું. ધનખડ સાહેબે બધી સંસ્થાઓને પોતાની મર્યાદામાં રહીને વર્તવાની સલાહ આપી છે. એ સુપ્રીમ કોર્ટને સલાહ આપવા બેઠા છે તો દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે એ રાજ્યપાલોને આ સલાહ કેમ નથી આપી શકતા ? આ વિવાદ અથવા સમસ્યા જે પણ ગણો તેનું મૂળ રાજ્યપાલો પોતાની મર્યાદા નથી જાળવતા અને બંધારણીય ફરજો નથી નિભાવતા તેમાં છે. દેશના બંધારણે રાજ્યપાલોએ કઈ રીતે કામ કરવું અને કઈ મર્યાદા જાળવવી એ નક્કી કરેલું જ છે. રાજ્યપાલો આ મર્યાદા જાળવીને વર્તે અને ચૂંટાયેલી સરકારોને પોતાની રીતે કામ કરવાનો અધિકાર છે એમ માનીને વર્તે તો કોઈ સમસ્યા કે વિવાદ જ ના થાય.